સરકારી પરવાનગી વિના ડ્રેનેજ ભૂંગળા નાખવાના આક્ષેપ, તંત્રની ભૂમિકા ચર્ચાના કેન્દ્રમાં
ડભોઈ:
ડભોઈ તાલુકા વિસ્તારમાં બિલ્ડરો દ્વારા નિયમોને નેવે મૂકી મનમાની રીતે બાંધકામ અને વિકાસ કામગીરી કરવાના બનાવો વધતા જઈ રહ્યા છે. તેવામાં ડભોઈ તાલુકાના ફરતિકુઇ ગામ નજીક હોટલની બાજુમાં વિકસાવવામાં આવી રહેલી એક મોટી સોસાયટીના ખુલ્લા પ્લોટ વિસ્તારમાં, કોઈપણ સરકારી કચેરીની મંજૂરી લીધા વિના પાણીના નિકાલ માટે ભૂંગળા (પાઇપલાઇન) નાખવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેને કારણે વિસ્તારમાં ભારે ચર્ચા સર્જાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રોડની બાજુમાં પાણીના નિકાલ માટે પરવાનગી વગર ભૂંગળા નાખવામાં આવતા સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યા હતા. આ બાબતે સંબંધિત તલાટી કમ મંત્રીનો સંપર્ક કરતા તેમણે “તપાસ કરી જાણ કરીશ” તેમ જણાવ્યું હતું. જોકે, સ્થળના ફોટા મોકલ્યા બાદ તલાટી તરફથી કોઈ સ્પષ્ટ જવાબ ન મળતા અને ફોન કટ થઈ જતા તંત્રની ભૂમિકા અંગે શંકા ઉઠી રહી છે.
ડભોઈ શહેર તથા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી બિલ્ડરો દ્વારા રેરા કાયદા અને અન્ય વિકાસ નિયંત્રણ નિયમોનું ઉલ્લંઘન કરીને સોસાયટીઓ ઊભી કરવાના આક્ષેપો સતત સામે આવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, આર્થિક લાભ માટે રોકાણકારોની સલામતી અને કાયદાકીય પ્રક્રિયાઓની અવગણના કરવામાં આવી રહી છે.
ડભોઈ શહેરમાં મુસ્તફા પાર્ક, રાબિયા પાર્ક સહિત કેટલીક સોસાયટીઓ પર પુરાતત્વ વિભાગની જમીન, ધાર્મિક ટ્રસ્ટની જમીન તથા ગૌચર જમીન પર દબાણના આક્ષેપો અગાઉ પણ ઉઠ્યા છે. તેમ છતાં ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
ડભોઈ–એકતા નગર માર્ગ પર સિક્સ ટ્રેક રોડની યોજના અમલમાં આવવાની છે, ત્યારે આવનારા સમયમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાશે, જેમાં સૌથી મોટું નુકસાન કોને થશે તે પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે.
હવે સ્થાનિકોમાં એક જ ચર્ચા છે કે, ફરતિકુઇ ગામના તલાટી દ્વારા ગેરકાયદે નાખવામાં આવેલા પાણીના નિકાલના ભૂંગળા દૂર કરવા નોટિસ અપાશે કે પછી મામલો “હોતા હૈ, ચલતા હૈ” રીતે દબાવી દેવામાં આવશે?
પ્રશાસન તરફથી સ્પષ્ટ અને કડક કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે.
રિપોર્ટર:: દીપક જોશી