ડભોઈ:
રાજ્યભરમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થતા ડભોઈ પંથકમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસનો માહોલ જોવા મળ્યો હતો. વિવિધ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું પુષ્પ આપી અને મોઢું મીઠું કરાવી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.




ડભોઈ પંથકમાં દયારામ હાઇસ્કૂલ, આર.જી. પંડ્યા હાઇસ્કૂલ, મહાદેવિયા સ્કૂલ તેમજ ચાંદોદની શ્રી બી.એન. હાઇસ્કૂલ ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ડભોઈની દયારામ હાઇસ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ડૉ. બી.જે. બ્રહ્મભટ્ટ, પાલિકા પ્રમુખ બિરેન શાહ, શહેર પ્રમુખ દીક્ષિત દવે, મહામંત્રી હિરેન શાહ (મહુડી) અને કિરીટ વસાવાની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. મહાનુભાવોએ પુષ્પ અર્પણ કરી વિદ્યાર્થીઓને નિર્ભય બની આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રેરણા આપી હતી.
ચાંદોદની શ્રી બી.એન. હાઇસ્કૂલ ખાતે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. અહીં વિદ્યાર્થીઓના સ્વાગત માટે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી, જેના કારણે આધ્યાત્મિક અને પ્રેરણાદાયક વાતાવરણ સર્જાયું હતું.
પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બંને કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ડભોઈમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે દયારામ કેળવણી મંડળ, વાણિજ્ય પ્રવાહ માટે પટેલવાડી, ચીમનભાઈ અને મહાદેવિયા કેન્દ્રો તેમજ ધોરણ 10 માટે દયારામ કેળવણી મંડળ, નવપદ હાઇસ્કૂલ, આર.જી. પંડ્યા હાઇસ્કૂલ અને મહાદેવિયા સાર્વજનિક શાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 753 વિદ્યાર્થી, વિજ્ઞાન પ્રવાહમાં 379 વિદ્યાર્થી અને ધોરણ 10માં 1178 વિદ્યાર્થી આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા કેન્દ્રોમાં પ્રવેશ્યા હતા. વાલીઓએ પણ પોતાના સંતાનોને શુભેચ્છા પાઠવી ઉત્સાહ વધાર્યો હતો.
આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ, શહેર પ્રમુખ દીક્ષિત દવે, મહામંત્રી હિરેન શાહ, દતુસિંહ સોલંકી, સોનલબેન સોલંકી, સારિકાબેન સોની સહિત ભાજપના કાર્યકરો અને હોદેદારો મોટી સંખ્યામાં હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.