વહેલી સવારે બસ-ખાનગી વાહનોમાં સપ્લાય, ઊંચા ભાવ માટે શહેરમાં વેચાણ
સિન્થેટિક માવાની ચર્ચા, આરોગ્ય સાથે ચેડાં છતાં કોઈ કાર્યવાહી નહીં
ડભોઈ::
ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે બનતો માવો વડોદરા શહેરમાં ઠલવાતો હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, વહેલી સવારે અને મોડી રાત્રે તૈયાર થતો માવો બસો અને ખાનગી વાહનો મારફતે વડોદરા શહેરમાં ઊંચા ભાવમાં વેચાણ માટે મોકલવામાં આવે છે.
માહિતી મુજબ, દૂધની અછત હોવા છતાં માવાનું ઉત્પાદન મોટા પાયે થઈ રહ્યું છે, જેને કારણે તેની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થયા છે. આંતરિક સૂત્રોનું કહેવું છે કે માવામાં દૂધ સિવાય અન્ય કૃત્રિમ (સિન્થેટિક) તત્વો મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે, જે લોકોના આરોગ્ય માટે જોખમરૂપ બની શકે છે.
વહેલી સવારે આ માવાને કંતાનમાં બાંધી બસ અથવા ખાનગી વાહનોમાં નીચે મુકીને શહેર તરફ મોકલવામાં આવે છે. મુસાફરોના પગ લાગતા હોવા છતાં આ માવાનો કોઈ જ સેનિટરી ધોરણ રાખવામાં આવતો નથી, જે ગંભીર બેદરકારી દર્શાવે છે.
આ ઉપરાંત, ઘણા ઉત્પાદકો બિનગુજરાતી હોવાના તથા ગ્રામ પંચાયતને ભરવાના વ્યવસાય વેરા પણ ન ભરતા હોવાની વિગતો સામે આવી છે.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ડભોઈ વિસ્તારમાં ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યા લાંબા સમયથી ખાલી છે અને જિલ્લા પંચાયત તરફથી નિયમિત તપાસ પણ થતી નથી. જેના કારણે આવા માવા ઉત્પાદકોને ખુલ્લું મેદાન મળી ગયું છે.
સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે લોકોના આરોગ્ય સાથે આટલી મોટી હદે ચેડાં થતાં હોવા છતાં તંત્ર કેમ મૌન છે? હવે જરૂરી બની ગયું છે કે સંબંધિત વિભાગો તાત્કાલિક તપાસ હાથ ધરી દોષિતો સામે કડક કાર્યવાહી કરે.
રિપોર્ટર: દીપક જોશી