Dabhoi

ડભોઈમાં ચેક બાઉન્સ કેસમાં કડક ચુકાદો, કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી

રૂ.5.65 લાખ ચુકવવાનો આદેશ
(પ્રતિનિધિ), ડભોઈ
ડભોઈમાં ચેક બાઉન્સના એક મહત્વના કેસમાં કોર્ટે ઝડપી અને કડક ચુકાદો આપતા આરોપીને એક વર્ષની સખત કેદની સજા સંભળાવી છે તેમજ કુલ રૂ.5,65,000/-ની રકમ ચુકવવાનો હુકમ કર્યો છે. આ ચુકાદાથી વેપારીઓમાં સંતોષ અને કોર્ટની કામગીરી અંગે પ્રશંસા વ્યક્ત થઈ રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ડભોઈના વેપારીઓ ખત્રી મહંમદ યાહ્યા અને ખત્રી મોહસીનભાઈ સાથે ભરુચ જિલ્લાના વાગરા તાલુકાના વતની ખત્રી સમીર ઈબ્રાહીમભાઈએ ધંધાકીય લેવડદેવડ કરી હતી. આ વ્યવહાર અંતર્ગત બાકી રકમ ચૂકવવા માટે આરોપીએ આપેલો ચેક ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાના કારણે બાઉન્સ થયો હતો.
ચેક બાઉન્સ થતા બંને ડભોઈના વેપારીઓએ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ડભોઈની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. કેસની સંપૂર્ણ સુનાવણી બાદ કોર્ટએ અંદાજે એક વર્ષ ત્રણ મહિનાની અંદર ચુકાદો આપ્યો હતો.
કોર્ટ દ્વારા આરોપીને બંને કેસમાં એક-એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી તેમજ ફરિયાદીઓને કુલ રૂ.5.65 લાખની રકમ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ચુકાદા બાદ આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
ડભોઈની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કૃષ્ણા સુધીર ખન્ના દ્વારા આપવામાં આવેલા આ ચુકાદાને ડભોઈ શહેર અને તાલુકામાં મુકત કંઠે વખાણ મળી રહ્યા છે. ચેક બાઉન્સ જેવા કેસોમાં ઝડપથી ન્યાય આપીને કોર્ટએ લોકો સાથે છેતરપિંડી કરનારાઓને કડક સંદેશ આપ્યો હોવાનું વેપારી વર્ગમાં ચર્ચાઈ રહ્યું છે.

રિપોર્ટર: દીપક જોશી

Most Popular

To Top