ચાંદોદના પરિવાર સાથે ઠગાઈ બાદ ચેક બાઉન્સ કેસમાં સજા
ડબલ રકમ ચૂકવવાનો હુકમ, પતિનો કેસ પણ અંતિમ તબક્કે
ડભોઈ:
ચેક બાઉન્સના કેસોમાં કોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આવી જ એક નોંધપાત્ર ઘટનામાં ડભોઈના કહેવાતા ‘બંટી-બબલી’ પૈકી બબલી એટલે કે શ્વેતા પ્રણવ તમાકુવાલાને કોર્ટ દ્વારા એક વર્ષની સાદી કેદ અને ચેકની રકમના ડબલ ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ચાંદોદના સ્વ. ભટ્ટ કિશોરકુમાર રમેશચંદ્ર શાસ્ત્રીના પરિવારને દુબઈ ટ્રિપ કરાવવાની લાલચ આપી પ્રણવ તમાકુવાલાએ લગભગ પાંચ લાખ રૂપિયાની રકમ વસૂલ કરી હતી. પરંતુ નિયત દિવસે પરિવાર અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જાણવા મળ્યું કે ટિકિટો રદ કરીને રિફંડ મેળવી લેવામાં આવ્યો છે. પ્રણવનો ફોન સ્વીચ ઓફ આવતા પરિવારને ઠગાઈનો ભોગ બન્યાનું જાણવા મળ્યું.
પછી આરોપીઓએ વારંવાર આશ્વાસન આપ્યા છતાં કોઈ યોગ્ય જવાબ ન મળતા પરિવારે પોતાના પૈસા પરત માંગ્યા. આ માટે પ્રણવ અને તેની પત્ની શ્વેતાએ અલગ અલગ બેન્કના ચેક આપ્યા હતા, જે બંને બાઉન્સ થયા હતા.
આ કેસમાં ભોગ બનનાર પરિવાર તરફથી વકીલ જાવેદ પઠાણે દલીલો રજૂ કરી હતી. જેને ધ્યાનમાં લઈને ડભોઈ કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કૃષ્ણા સુઘીર ખન્નાએ શ્વેતા તમાકુવાલાને એક વર્ષની સાદી કેદ તેમજ ચેકની રકમના ડબલ ચૂકવવાનો હુકમ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે પ્રણવ તમાકુવાલા સામેનો ચેક બાઉન્સનો કેસ પણ અંતિમ તબક્કામાં છે, જેના ચુકાદા પર સૌની નજર છે.
રિપોર્ટર: દીપક જોશી