Dabhoi

ડભોઇ સયાજી સાર્વજનિક પુસ્તકાલય એટલે વાંચકો માટે પરબ

ડભોઇ: ડભોઇ તાલુકાની જનતાને અને ડભોઇ નગરના લોકોની વાંચન ભૂખ સંતોષવા માટે ડભોઇ નગરની મધ્યમાં ટાવર બિલ્ડિંગમા જ પુસ્તકાલય વર્ષો પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું.નગરની મધ્યમાં આવેલા સયાજી સાર્વજનિક પુસ્તકાલયને સરકાર તરફથી અનુદાન દર વર્ષે આપવામાં આવે છે. જેનું મહત્વ વર્ષો પહેલા મહારાજા સયાજીરાવે લોકોને સમજાવ્યું હતું.

ડભોઇ નગરની મધ્યમાં આવેલા સયાજી સાર્વજનિક પુસ્તકાલયની સ્થાપના વર્ષો સને 1889માં મહારાજા સયાજીરાવે કરી હતી. એ સમયે આ પુસ્તકાલયને અનુદાન તરીકે 4000 રૂપિયા આપવામાં આવતા હતા.જે તે સમયે આના કારણે વાંચન વર્ગની ભૂખ સંતોષી શકાતી હતી. દર વર્ષે તેમાં વધારો થતો ગયો છે. સને 2018માં સરકાર દ્વારા રૂપિયા વધારીને 1,50,000 આપવામાં આવ્યા હતા. જ્યારે ચાલુ વર્ષે તે વધારીને રૂપિયા 2,50,000 સરકાર દ્વારા આપવામાં આવ્યા છે.
ડભોઇ સયાજી સાર્વજનિક પુસ્તકાલયને મળતી અનુદાનની રકમમાંથી 50 ટકા રકમના પુસ્તકો મંગાવવાના હોય છે. તેમજ 50 ટકાની રકમ મહેકમ ખર્ચમાં વાપરવાની હોય છે. આ ટાવર પુસ્તકાલયમાં હાલમાં છ જાતના જુદા જુદા ન્યુઝપેપરો મંગાવવામાં આવે છે. તેમજ વિવિધ પ્રકારના મેગેઝીન પણ નિયમિત મંગાવવામાં આવે છે. આ પુસ્તકાલયના ગ્રંથપાલ તરીકે રાજુભાઈ શાહ વર્ષોથી સેવાઓ આપી રહ્યા છે. તેમની આગવી સુઝના કારણે જે જરૂરી પુસ્તકો ખરીદી કરવામાં આવે છે.
પુસ્તકાલય ની દેખરેખ તેઓ જાતે હાજર રહી કરતા હોય છે. તેમના અનુભવનો લાભ લોકોને મળી રહ્યો છે.હાલમા પુસ્તકાલયમાં ૨૦,૦૦૦ ઉપરાંત પુસ્તકો છે. દરેક ભાષાના પુસ્તકો ઉપલબ્ધ હોવાથી વાંચકોની તૃષા છીપાવતી પરબ બની ગઇ છે. નગર તેમજ તાલુકાની વાંચન પ્રેમી જનતા આ પુસ્તકાલયનો લાભ લે છે.
જ્યારે પુસ્તકાલય ના પ્રમુખ તરીકે વર્ષોથી મહેશભાઈ કે.શાહ (એમ.કે.શાહ) સેવાઓ આપી રહ્યા છે. તેઓ પોતાની શાળા પણ ચલાવે છે. સાથો સાથ ટ્રસ્ટીઓ પણ તેઓ સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છે.નવા પુસ્તકો અને મેગેઝીનો આ પુસ્તકાલયમાં આવતા હોવાથી વાચક વર્ગની વાંચન ભૂખ સંતોષાય છે.

Most Popular

To Top