વડોદરા: ડભોઇ રોડ પર આવેલી હનુમાન ટેકરી ઝુપડપટ્ટીમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી 323.16 ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. કેરીયર સુરતથી ગાંજો લાવીને તેનું છુટક વેચાણ કરતો હતો. ગાંજાના સહિત 10 હજારના મુદ્દામાલ સાથે આરોપીને પાણીગેટ પોલીસને સોંપ્યો છે. શહેરનું યુવાધન ડ્રગ્સના ચુંગાલમાંથી મુક્ત થાય અને નશામુક્ત સમાજના સંકલ્પને સાકાર કરવા માટે મિશન ક્લીન નશામુક્ત વડોદરા અંતર્ગત યુવાનીયા બરબાદીના રવાડે ચડતા અટકે માટે પોલીસ દ્વારા ડ્રગ્સ ગાંજા સહિત નશીલા પદાર્થોનું વેચાણ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરાઇ છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી રહી હતી. તે દરમિયાન પીઆઇ પી બી દેસાઇને બાતમી મળી હતી કે વિજય ગુલાબસિંહ વણઝારા (રહે, દુધિયા તળાવ હનુમાન ટેકરી ઝુપડપટ્ટી ડભોઇ રોડ ) પોતાના રહેણામ મકાનમાં ગેરકાયદે ગાંજાનો જથ્થો સંતાડી છુપી રીતે તેનું વેચાણ કરી રહ્યો છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ પી બી દેસાઇ અને પીએસઆઇ એ વી લંગાળીયા સહિટની ટીમના માણસોએ બાતમી મુજબ સ્થળ પરના મકાનમાં દરોડો પાડ્યો હતો. દરમિયાન વિજય ગુલાબસિંહ વણઝારા મળી આવતા તેને ઝડપી પાડ્યો હતો.
તેના સાથે રાખી મકાનમાં તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીમાંથી રૂ. 3231નો 323.16 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગાંજાનો જથ્થો, મોબાઇલ સહિત રૂ. 10 હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપી કેરીયર સામે એનડીપીએસ એક્ટની મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી પાણીગેટ પોલીસને સોંપવામાં આવ્યો છે. વિજય વણઝારાની પૂછપરછ કરતા સુરત રેલવે સ્ટેશન પાસેથી ગાંજાનો જથ્થો લાવીને અહીયું તેનું છુટકી વેચાણ કરતો હોવાનું જણાવ્યું છે.