બિલ્ડરોના હાથમાં જમીન ન જાય તે માટે પાલિકામાં લેખિત રજૂઆત કરાઈ
શહેરી સુવિધાઓ માટે આ જમીનનો ઉપયોગ થવો જોઈએ : વિપક્ષ
વડોદરા મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી ડભોઇ રોડ ઉપર આવેલી લકકડપીઠાની લગભગ 55 એકર (16 લાખ સ્ક્વેર ફૂટથી વધુ) જમીન અંગે તાત્કાલિક પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, 50 થી 60 વર્ષ પહેલા પથ્થરગેટ વિસ્તારમાં આવેલી લકકડપીઠામાં આગ લાગી હતી અને તે બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે શહેરની અંદરના તમામ લકકડપીઠાને બહાર ખસેડવામાં આવે. તે સમયે ડભોઇ રોડ પર આવેલી ખેડુતોની જમીન ઓછા ભાવે લઇને લકકડ વેપારીઓને આપવામાં આવી હતી. આ માટે શહેરની સમગ્ર સભામાં ઠરાવ કરીને 18 લાખ રૂપિયાની રકમ વસૂલવા નક્કી કરવામાં આવ્યું હતું. બાદમાં 19 વેપારીઓએ પથ્થરગેટની જમીન ખાલી કરી આપતાં, દિપક ઓપન એર થિયેટર બનાવાયું અને રમત-ગમત માટે જમીન ફાળવાઈ. જો કે, ભાડું મનસ્વી રીતે વધારવામાં આવ્યું હતું અને તે માટે કોઈ કાયદાની મંજૂરી લેવાઈ નથી, એવું શ્રીવાસ્તવે રજૂઆતમાં જણાવ્યું છે. વધુમાં જણાવ્યું કે, કોર્પોરેશનના લીગલ વિભાગ, જમીન મિલ્કત શાખા અને અન્ય સંબંધિત વિભાગોએ લાંબા સમયથી આ મુદ્દે કોઈ કાર્યવાહી કરી નથી. પરિણામે આ 40 થી 50 વર્ષથી ખાલી પડેલી જમીનનો યોગ્ય ઉપયોગ ન થતા કોર્પોરેશનને આવકમાં નુકશાન થયું છે.
શ્રીવાસ્તવે જણાવ્યુ કે, આ ખુલ્લી પડેલી જમીન અનેક રીતે ઉપયોગી બની શકે છે, જેમાં પાણીના સંચય માટે સંપ અને ઓવરહેડ ટાંકી, વોર્ડ ઓફિસ, કે અન્ય નાગરિક સુવિધાઓ ઊભી કરી શકાય તેમ છે. આથી ટીમ્બર મર્ચન્ટ એસોસિએશન સાથે ચર્ચા કરી આ જમીન ફરી કોર્પોરેશનના હિતમાં લાવી શકાય તેવા પ્રયાસ થવા જોઈએ. અગાઉ પણ કોઈ બિલ્ડર આ જમીન પચાવી ન પડે તે માટે તેમણે સભામાં વાત ઉઠાવી હતી, જેના કારણે જમીન બચી હતી. આવનારા સમયમાં આવી જ ઘટના ફરી ના બને તે માટે સમજૂતીથી અને કાયદેસર રીતે કોર્પોરેશનને આ જમીન પરત લેવી જોઈએ. શ્રીવાસ્તવે એ પણ ઉમેર્યું કે આ વિસ્તાર વિકાસથી વંચિત છે. એક બાજુ સ્લોટર હાઉસ, તરસાલી અને ગાજરાવાડીના એસટિપીએમાંથી શુદ્ધ કર્યા વગર પાણી છોડવામાં આવે છે. અહીં જ જેલ માટે ફાળવેલી જમીન પર શાકભાજીનું ઉત્પાદન થાય છે. ઓએનજીસીને ફાળવેલી જમીન પર હવે શાળા, બેન્ક, દુકાનો અને રમતોની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જે હેતુ માટે જમીન ફાળવવામાં આવે, તે હેતુ સાકાર ન થાય તો જમીન પરત લેવાની જોગવાઈ હોય છે.