Dabhoi

ડભોઇ પોલીસ ચોપડે છ વર્ષથી ભાગેડું ગાંજાનો સપ્લાયર ઝડપાયો

ગુજરાત મિત્ર ન્યુઝ
ડભોઇ |

ડભોઇ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ 2020માં 80 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે બે આરોપીઓને ઝડપી પાડી એન.ડી.પી.એસ. એક્ટ-1985ની ગુનાહિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં તપાસ દરમિયાન ગાંજો સપ્લાય કરનાર મુખ્ય આરોપી તરીકે મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના સેંધવા ખાતે રહેતા એક શખસનું નામ ખુલ્લું પડ્યું હતું, જેને તે સમયે ભાગેડું જાહેર કરવામાં આવ્યો હતો.
વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની સૂચના હેઠળ જિલ્લા એસ.ઓ.જી.ના પી.આઈ. બી.એન. ગોહિલ, પી.એસ.આઈ. એચ.એમ. જાળીયા, પી.એસ.આઈ. પી.જે. પટેલ સહિત એ.એસ.આઈ. કૈલાસ ભાલચંદ્ર, હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ કેશવભાઈ, ઉત્તમભાઈ ઠાકરશીભાઈ, સુરેશભાઈ પ્રતાપભાઈ તથા આ.હે.કો. મહેશગીરી દશરથગીરી સહિતના ચુનંદા જવાનોની ટીમે ચોક્કસ બાતમીના આધારે મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના સેંધવામાં દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પાછલા છ વર્ષથી એન.ડી.પી.એસ. કેસમાં ભાગેડું આરોપી રહેલો મોતીરામ જ્ઞાનસિંગ ઉર્ફે મીઠીયાભાઈ ચૌહાણને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીને ડભોઇ લાવી પૂછપરછ કર્યા બાદ ગાંજાના સપ્લાયર તરીકે એન.ડી.પી.એસ. કેસમાં તેની ધરપકડ કરી કેસની કાયદેસર કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીને ડભોઇ પોલીસને સોંપી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
જિલ્લા એસ.ઓ.જી.ની આ સફળ કાર્યવાહીથી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
રિપોર્ટર— સઈદ મનસુરી, ડભોઇ

Most Popular

To Top