


ડભોઇ
ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલના અધ્યક્ષસ્થાને ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ગુમ થયેલ માલમિલકત અને સાયબર ગુનાઓમાં પીડિત અરજદારોને તેમનો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો હતો.
કાર્યક્રમ અંતર્ગત ૪ સાયબર અરજીઓમાં કોર્ટના આદેશથી અરજદારોના બેંક ખાતામાં કુલ રૂ. 37,150 રિફંડ કરવામાં આવ્યા હતા. ઉપરાંત CEIR Portalની મદદથી શોધી કાઢવામાં આવેલા ૫ ગુમ થયેલ અને ચોરાયેલા મોબાઈલ ફોન (અંદાજિત કિંમત રૂ. 62,000) સંબંધિત માલિકોને પરત આપવામાં આવ્યા હતા.
તે ઉપરાંત રૂ. 52,000 કિંમતની સોનાની લગડી પણ અરજદારને સુપરત કરવામાં આવી હતી. આ રીતે કુલ રૂ. 1,51,150નો મુદ્દામાલ પરત આપવામાં આવતા અરજદારોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન “ત્રણ વાત તમારી – ત્રણ વાત અમારી” અંતર્ગત પોલીસ અને નાગરિકો વચ્ચે સંવાદ યોજાયો હતો, જેમાં કાયદો-વ્યવસ્થા, સાયબર સુરક્ષા અને જાહેર સહકાર અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે પી.આઈ. જે.એમ. ચાવડા, પી.એસ.આઈ. તેમજ પોલીસ સ્ટાફ અને નાગરિકો હાજર રહ્યા હતા.