Dabhoi

ડભોઇ પોલીસની કાર્યવાહી: બે અલગ–અલગ સ્થળે છાપા, 8 જુગારીઓ ઝડપાયા

પત્તાપાનાનો હાર-જીતનો જુગાર રમતા ઇસમો પાસેથી રોકડ, મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત

ગુજરાત મિત્ર ન્યુઝ, ડભોઇ |
ડભોઇ શહેરમાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે ડભોઇ પોલીસ દ્વારા બાતમીદારોને સક્રિય કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડભોઇના સૂરજ ફળિયા અને નવાપુરા વિસ્તારોમાં બાતમીના આધારે છાપા મારી ખુલ્લામાં પત્તાપાનાના હાર-જીતનો જુગાર રમતા કુલ આઠ જુગારીઓને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે, જેના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ડભોઇ પી.આઈ. જે. એમ. ચાવડાને શહેરના વિવિધ વિસ્તારોમાં ખાનગી જુગાર અને વિદેશી દારૂનું બેરોકટોક વેચાણ થતું હોવાની માહિતી મળી હતી. આ આધારે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
સૂરજ ફળિયામાં રેડ
વિતેલા 24 કલાક દરમિયાન ડભોઇના સૂરજ ફળિયામાં ભાથીજી મંદિર પાસેની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તાપાનાનો હાર-જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પી.એસ.આઈ. રાઠવાએ ડી. સ્ટાફના જવાનો સાથે સ્થળ પર છાપો માર્યો હતો. રેઇડ દરમિયાન ત્રણ જુગારીઓ પત્તાપાનાની કેટ સાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા, જ્યારે બે જુગારીઓને ભાગેડું જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા અંગઝડતી અને દાવ પરના રોકડા રૂ. 21,850 કબજે લેવામાં આવ્યા હતા.
નવાપુરા વિસ્તારમાં બીજી કાર્યવાહી
બીજી તરફ, ડભોઇના નવાપુરા વિસ્તારમાં દરગાહ નજીક જુગાર રમતા ઈસમો પર પોલીસ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. આ રેઇડમાં સાત ઈસમોને પત્તાપાના અને રૂ. 12,350ની રોકડ મત્તા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
આમ, ડભોઇ પોલીસે બે જુદી જુદી જગ્યાએ કાર્યવાહી કરી કુલ આઠ જુગારીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે ત્રણને ભાગેડું જાહેર કરવામાં આવ્યા છે. ઝડપાયેલા જુગારીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે.
રિપોર્ટર: સઈદ મનસુરી | ડભોઇ

Most Popular

To Top