આમંત્રણ પત્રિકામાં ધારાસભ્યના યોગદાનને ભૂલતા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર
આગામી ૨૫ જાન્યુઆરીના રોજ ડભોઇ નગરપાલિકાના નવનિર્મિત ભવનના લોકાર્પણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પાલિકાનુ જૂનું મકાન 1905માં બનાવવામાં આવ્યું હતું. જે અતિ જર્જરિત થઇ જતા 120 વર્ષના લાંબા અંતરાલ બાદ નવિન જગ્યાએ નવું ભવન બનાવવામાં આવ્યું છે. આ નવનિર્મિત ભવન પાછળ રૂપિયા 5 કરોડ થી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. અત્યાધુનિક સગવડો અને ભવ્યતાવાળા ભવનના લોકાર્પણ પ્રસંગે પાલિકા પ્રમુખ તથા ચિફ ઓફિસર દ્વારા ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના નામનો ઉલ્લેખ સુદ્ધાં ટાળવામાં આવ્યો હોવાનુ ધ્યાને આવ્યું છે. ડભોઇ નગરપાલિકાને ટાઉન હોલ, એસ ટી પી પ્લાન્ટ, આઇકોનિક રોડ રસ્તા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહીતના કામો માં કરોડો રૂપિયાની ગ્રાન્ટની મદદ કરાવનાર તથા સદા પાલિકાની પડખે રહેનાર એવા ધારાસભ્યના નામ ની બાદબાકી પાછળ કઈ રાજકીય મહત્વકાંક્ષા કામ કરી ગઇ અને કોના ઈશારે આવી કામગીરી કરવામાં આવી તે બાબતે પણ નગરમાં ચર્ચાએ જૉર પકડ્યું છે.