સરકારી વીજળીનો બેફામ વેડફાટ
ડભોઇ: ડભોઇ તાલુકાના પવિત્ર તીર્થક્ષેત્ર ચાંદોદ ગામમાં **મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL)**ની ગંભીર બેદરકારી સામે આવી છે. ચાંદોદ ગ્રામ પંચાયત દ્વારા લગાવવામાં આવેલા 100થી વધુ સ્ટ્રીટ લાઈટના થાંભલાઓ પર છેલ્લા લાંબા સમયથી દિવસ-રાત સતત લાઈટ ચાલુ રહેતી હોવાની shocking હકીકત બહાર આવી છે.
સ્ટ્રીટ લાઈટ દિવસ દરમિયાન બંધ રહે તે માટે માત્ર off કેબલ ઉતારવાની સરળ કામગીરી જરૂરી હોવા છતાં MGVCL દ્વારા જાણે ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યો છે.
એક તરફ સામાન્ય જનતા મોંઘા વીજ બિલથી ત્રસ્ત છે, ત્યારે બીજી તરફ દિવસના તેજ સૂર્યપ્રકાશમાં પણ સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેવી એ સ્પષ્ટ રીતે ટેક્સદાતાઓના પૈસાનો દુરુપયોગ છે. આ સ્થિતિ MGVCLના જવાબદાર અધિકારીઓની ઘોર નિષ્ક્રિયતા દર્શાવે છે.
સરપંચની વારંવાર રજૂઆત છતાં ‘પેટનું પાણી પણ ન હલ્યું’
ચાંદોદ ગ્રામ પંચાયતના સરપંચ દીપ્તિબેન સોની દ્વારા આ મુદ્દે MGVCLને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
કોઈ નિરીક્ષણ નહીં, કોઈ જવાબદારી નક્કી નહીં અને કોઈ સ્પષ્ટ જવાબ નહીં – આ છે MGVCLનું હાલનું વલણ.
ગ્રામજનોમાં રોષ, આંદોલનની ચેતવણી
આ મામલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોનું કહેવું છે કે જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉર્જા વિભાગ તથા ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદ કરવામાં આવશે. જરૂર પડશે તો આંદોલનનો માર્ગ પણ અપનાવવાની ચેતવણી આપવામાં આવી છે.
હવે પ્રશ્ન એ છે…
હવે જોવાનું એ રહેશે કે MGVCLના જવાબદાર અધિકારીઓ ક્યારે જાગે છે?
કે પછી ચાંદોદમાં સરકારી વીજળીનો આ રીતે ખુલ્લેઆમ બગાડ થતો જ રહેશે?
રિપોર્ટર: દીપક જોશી