ડભોઇ: ઉપરવાસ માંથી વરસાદી પાણીની આવક ને લઈ પંચમહાલના દેવ ડેમમાંથી 5586 ક્યુસેક પાણી છોડાતા ડભોઇ તાલુકાના થુવાવીથી અંગુઠન,રાજલી, મંડાળાનો માર્ગ કેડ સમા પુરના પાણી ફરી વળતા બંધ કરાયો હતો. ઢાઢર કાંઠાના ડાંગીવાડા,વીરપુરા,બબોજ,અમરેશ્વર અને સુરતીપુરા સંપર્ક વિહોણા બન્યા હતા.જ્યારે બનૈયા વિખૂટું પડી જતા ચિંતા વ્યાપી જવા પાણી હતી. એટલુજ નહીં સીમળીયાથી વાઘોડિયા જતા માર્ગ પર પણ પાણી ફરી વળતા માર્ગ બંધ કરાયો હતો.આમ સતત વરસી રહેલા વરસાદ અને પૂર ના પાણીએ ગ્રામ્ય વિસ્તારોને રીતસર ધમરોળ્યા હતા.
દેવ ડેમમાંથી છોડાયેલા 5586 ક્યુસેક પાણીને કારણે દેવ નદી અને ઢાઢર નદીમાં ઘોડાપુર આવ્યા હતા.જાંબુઘોડાના જંગલમાંથી નીકળતી ઢાઢર નદીમાં પંચમહાલ જીલ્લામા અને બોડેલી તાલુકામાં પડેલા મુશળધાર વરસાદને કારણે ઘોડાપુર આવ્યું હતું. દેવડેમ અને ઢાઢર ના પૂરના પાણી સીમળીયા અને અમરેશ્વર વચ્ચેના માર્ગ પર ફરી વળ્યા હતા. અમરેશ્વર ગામની નવીનગરીમાં પણ ઢાઢરના પાણી ઘૂસી જતા ગામ લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી હતી.
એક બાજુ દેવ ડેમમાંથી દેવ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.જેથી દેવ નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે. લોકો lને સાવચેત રહેવા તંત્ર ધ્વારા સૂચનાઓ અપાઈ છે. ત્યારે બીજી બાજુ જાંબુઘોડાના જંગલ માંથી નીકળતી ઢાઢર નદીમાં પણ ઘોડાપુર આવતા તેની અસરથી ડભોઇ તાલુકાના સીમળીયાથી વાઘોડિયા જતા માર્ગ પર અમરેશ્વર ગામ અને આજુબાજુના ખેતરો , કોતરો અને તળાવો જળબંબાકાર થઈ ગયા હતા. દૂર દૂર સુધી પાણી જ પાણી દેખાતું હતું.અમરેશ્વર ગામની નવીનગરીના 25 થી વધુ મકાનોમાં ઢાઢર ના પાણી ઘુસ્યા હતાં. જેથી ગામલોકો ના જીવ પડીકે બંધાયા હતા.જો રાતભર વરસાદ પડે તો અન્ય ગામોમા પણ વરસાદી પાણી તારાજી સર્જે તેમ હોય લોકો ઉપરવાસના વરસાદ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.