ડભોઇ: સમગ્ર વિશ્વને અહિંસાનો સંદેશો આપનાર અને તપ એટલે માત્ર ઉપવાસ નહીં તપ એટલે અંતરયાત્રા છે, તેનો ઉપદેશ આપનાર જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા જૈનવાગામાંથી સવારે નીકળી હતી. જૈનવાગામાં આવેલા દેરાસરોને રોશની વડે સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા.
શ્રી વિજય દેવસુરી જૈન સંઘ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણક દિન નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૈન પાઠશાળા ના બાળકોનો સંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જૈન સમુદાય દ્વારા જૈનવાગામાં આવેલા દેરાસરોની ધજા પતાકા તથા સુંદર લાઇટ ડેકોરેશન વડે શણગારવામાં આવ્યા હતા. જૈનવાગામાંથી સવારના બેન્ડવાજા સાથે ચાંદીની સૂપણ ગાડીમાં ભગવાન મહાવીર સ્વામીની છબી પધરાવી ભવ્ય શોભાયાત્રા વાજતે-ગાજતે નીકળી હતી. આ શોભાયાત્રામાં જૈન સમાજના તમામ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રા ટાવર વકીલ lના બંગલા પાસે થઈ લાલ બજાર કન્યા શાળાથી ટાવરે પહોંચી હતી. નગરના મુખ્યમાર્ગો પર શોભાયાત્રા ફરી હતી.
મહિલાઓ બેન્ડવાજાના સૂરો સાથે તેમજ ભગવાન મહાવીર સ્વામી નો જય જય કારના નારાથી વાતાવરણ ગજવી દીધું હતું.અહિંસા સત્ય અસ્તેય અપરિગ્રહ,શ્રમા અને પ્રેમના સિદ્ધાંતોથી ભગવાન મહાવીર સ્વામીએ અનેક દ્રષ્ટાંતો રજુ કર્યા છે.
ડભોઇ નગરમા મહાવીર સ્વામી જન્મ જયંતીની ભારે શ્રદ્ધાભેર જૈન સમાજે આજે ઉજવણી કરી હતી. નગરમાં સવારે નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ આગવું આકર્ષણ જમાવ્યું હતું. ડભોઇમાં જૈન ધર્મના ૨૪ માં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક દિન જૈન ભાવિક ભક્તો દ્વારા ભવ્યાતિભવ્ય રીતે ધાર્મિક વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો.આ શુભ દિને ડભોઇમા જૈન વાગા ના વિસ્તાર ને આગલી રાતથી જ શણગારવામાં આવ્યો હતો.આ શોભાયાત્રા નગરના મુખ્ય રાજમાર્ગો પર ફરી પરત જૈનવાગા ખાતે બપોરે પહોંચી હતી.આ ભવ્ય શોભાયાત્રા દરમિયાન ડભોઈ પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શોભાયાત્રામા ચાંદીની સુપન ગાડીમા બિરાજમાન ભગવાન મહાવીરની ગાડીને ખેંચવા માટેનો અનેરો લ્હાવો લેવા માટે જૈન સમુદાય આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. જેનો આજે અમૂલ્ય લ્હાવો મળતાં આનંદવિભોર બની ગયા હતા.
