ડભોઇ ધારાસભ્ય શૈલેષ મહેતાની સીધી દેખરેખમાં પ્રથમ વખત એ.પી.એમ.સી.માં ભાજપનો ભગવો લહેરાયો,
હરીફ સહકાર પેનલના 6 અને ખેડૂત હિત રક્ષક સમિતિના 4 ઉમેદવાર વિજયી રહ્યા
વડોદરા: ડભોઇ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એ.પી.એમ.સી.)ની ગતરોજ યોજાયેલી ચૂંટણીનું પરિણામ આજે જાહેર થતા ઇતિહાસ સર્જાયો હતો. પ્રથમવાર એ.પી.એમ.સી. ડભોઇમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સહકાર પેનલ બહુમતીમાં આવી છે. કુલ 16 બેઠકોમાંથી સહકારી અને વેપારી વિભાગની 6 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો પહેલાંથી જ બિનહરીફ નિવડ્યા હતા, જ્યારે ખેડૂત વિભાગની 10 બેઠક માટે 10 નવેમ્બરે મતદાન યોજાયું હતું.
મતગણતરીના પરિણામ મુજબ ખેડૂત વિભાગમાં ભાજપ પ્રેરિત સહકાર પેનલના 6 અને ખેડૂત હિત રક્ષક સમિતિના 4 ઉમેદવારો વિજેતા બન્યા હતા. આ રીતે કુલ 12 બેઠકો ભાજપ સમર્થિત પેનલના કબજામાં જતા ડભોઇ એ.પી.એમ.સી.માં ભાજપે બહુમતી સાથે સત્તા મેળવ્યા બાદ પ્રથમવાર ભગવો લહેરાવ્યો છે.
ચૂંટણીને લઈને સવારથી જ મતગણતરી કેન્દ્ર બહાર શુભેચ્છકોના ટોળાં ઉમટી પડ્યા હતા. આશરે 770 મતદાનમાંમાંથી 63 મત નોટા માટે પડતાં રસપ્રદ સમીકરણો સર્જાયા હતા. ભાજપ સમર્થિત સહકાર પેનલ અને ખેડૂત હિત રક્ષક સમિતિ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. અંતે ભાજપ સમર્થિત 6 ઉમેદવારો વિજેતા બન્યા હતા, જેમાં દિલીપભાઈ નાગજીભાઈ પટેલે સૌથી વધુ 410 મતો મેળવી સર્વાધિક બહુમતી હાંસલ કરી હતી.
કાર્યકારી અધ્યક્ષ અને ભાજપના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ચૂંટણીમાં વર્ષો જૂની કોંગ્રેસની પકડ ધરાવતી એ.પી.એમ.સી. હવે ભાજપના કબજામાં પહોંચી ગઈ છે. અગાઉના ચેરમેન દિલીપભાઈ પટેલ લાંબા સમયથી કોંગ્રેસ સમર્થિત પેનલના ભાગરૂપે જીતતા આવ્યા હતા, પરંતુ આ વખતે તેમણે ભાજપ સમર્થિત પેનલમાં જોડાઈ ઉમેદવારી નોંધાવી હતી.
ચૂંટણીમાં પાતળી સરસાઈ હોવા છતાં ભાજપ સમર્થિત પેનલ બહુમતીમાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એ.પી.એમ.સી. ડભોઇ લાંબા સમયથી કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, પરંતુ આ ચૂંટણીમાં પ્રથમવાર ભાજપનો ભગવો લહેરાતા સ્થાનિક રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર નોંધાયો છે.
સ્થાનિક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ તમામ વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી સન્માનિત કર્યા હતા. હવે પ્રમુખપદ માટે કશ્મકશ રહેવાની શક્યતા છે, પરંતુ હાલની બહુમતી જોતા પ્રમુખપદ પણ ભાજપના હાથમાં જ જવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
એ.પી.એમ.સી. 2025 ચૂંટણી વિજેતાઓ
વિજેતા ઉમેદવારનું નામ
દિલીપ નાગજીભાઈ પટેલ
કલ્પેશ વિઠ્ઠલભાઈ પટેલ
ગૌરાંગ કનુભાઈ પટેલ
દિક્ષિત મહેન્દ્રભાઈ પટેલ
ધિરેન ઈન્દ્રવદન પટેલ
ભરત બાપાલાલ પટેલ
ધવલ કુમાર જશભાઈ પટેલ
વિષ્ણુ પ્રાગજીભાઈ પટેલ
મુકુંદ કંચન લાલ પટેલ
ઉમેશ રમણભાઈ પટેલ