Dabhoi

ડભોઇમાં એક જ રાતે સાત મકાનોના તાળા તૂટ્યા

₹60 હજાર રોકડ અને એકટીવા સ્કૂટર ચોરી; પોલીસની નિષ્ક્રિયતા સામે રોષ

ગુજરાત મિત્ર ન્યુઝ, ડભોઇ:

ડભોઇ નગરમાં ચોરીની ઘટનાઓએ ફરી એકવાર પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા કર્યા છે. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં એક જ રાત દરમિયાન ચોર ટોળકીએ સાત મકાનોને નિશાન બનાવી તાળા તોડી ચોરી તથા ચોરીના પ્રયાસ કર્યા હતા. એક મકાનમાંથી રૂ. 60,000ની રોકડ રકમ ચોરી કરાઈ હતી, જ્યારે અન્ય વિસ્તારમાંથી એક એકટીવા સ્કૂટર ઉઠાવી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

રાતભર ડભોઇ નગર ચોરોના નિશાને હતું, ત્યારે પોલીસ મીઠી નીંદરમાં હતી તેવી નગરજનોમાં ચર્ચા છે. શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે તસ્કરોએ ઘરફોડ અને વાહન ચોરી કરીને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોવાનું જણાઈ રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ડભોઇ દશાલાડવાડી પાછળ આવેલા કંસારા ફળિયામાં રહેતા અલીભાઈ ધોબીવાળાના મકાનનું તાળું તોડવામાં આવ્યું હતું. જોકે અલીભાઈ જાગી જતા બૂમાબૂમ કરતા બે અજાણ્યા તસ્કરો ભાગી ગયા હતા. ત્યારબાદ પટેલવાગામાં પણ એક મકાનનું તાળું તોડાયું હતું.

આ પછી ઝારોલા વાગામાં હિરેનભાઈ શાહના મકાનનું તાળું તોડી ચોરીનો પ્રયાસ કરાયો હતો. ત્યાંથી આગળ વધીને તસ્કરોએ પસાજી મારવાડી (પ્રજાપતિ)ના મકાનમાંથી રૂ. 60,000ની રોકડ ચોરી કરી ફરાર થયા હતા. ત્યારબાદ તાઇવાગા વિસ્તારમાં નસવાડીવાળાના ઘરનું તાળું તૂટ્યું તેમજ આ વિસ્તારમાં અન્ય એક મકાનને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. અંતે ટ્રન્કવાલા પરિવારનું એકટીવા સ્કૂટર ચોરી કરી તસ્કરો ભાગી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ ડભોઇમાંથી મોટરસાયકલ ચોરી કરી ફરાર થયેલા અજય વાઘેલા અને કિશન તડવી નામના બે ઈસમોની ચોરાયેલી મોટરસાયકલ રાજપીપળા પાસે સ્લીપ ખાઈ જતા બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. રાજપીપળા પોલીસે પૂછપરછ કરતા ડભોઇમાંથી થયેલી મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. છતાં ડભોઇમાં સતત ચોરી કરનારાઓ ઝડપાતા નથી, તે નગરજનો માટે ચિંતા જનક બન્યું છે.

રાત્રિના સમયે પોલીસ ગોદડી ભેગી થઈ જાય અને તસ્કરોને મોકળું મેદાન મળી રહેતા, હવે નગરજનોને સ્વરક્ષણ માટે જાગતા રહેવાનો વારો આવ્યો છે.


રાત્રી સુરક્ષા હોમગાર્ડ અને જી.આર.ડી.ના ભરોસે

એક સમય એવો હતો કે સપ્તાહમાં એકવાર જનરલ કોમ્બિંગ નાઇટ યોજાતી હતી. જિલ્લા પોલીસ વડા પોતે રાત્રિ દરમિયાન જિલ્લાના કોઈપણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અચાનક પહોંચી પોલીસની કામગીરીની તપાસ કરતા હતા. આજે એવી વ્યવસ્થા જોવા મળતી નથી.

શિયાળાની કડકડતી ઠંડી અને કાળી, ભયાનક રાત્રીમાં પણ ડભોઇ નગરજનોની સુરક્ષા માત્ર હોમગાર્ડ અને જી.આર.ડી.ના જવાનોના ભરોસે રહી છે. રાત્રિના સમયે ડભોઇ પોલીસ સ્ટેશનના અંદાજે 70 જેટલા જવાનો ગોદડી ભેગા થઈ જાય છે, જે નગરજનો માટે ચિંતાનો વિષય છે.

Most Popular

To Top