સતત ત્રીજા દિવસે ચોરીની હેટ્રિક, માત્ર ફાંકા ફોજદારી કરતી પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકાર
ડભોઇ :
ડભોઇ નગર અને પંથકમાં કાયદો-વ્યવસ્થાની હાલત પર ગંભીર પ્રશ્નો ઊભા થાય તેવા ચિત્રો સામે આવી રહ્યા છે. સતત ત્રીજા દિવસે પણ તસ્કરોએ બેફામ બની ચોરીની હેટ્રિક નોંધાવી ડભોઇને જાણે બાનમાં લઈ લીધું હોય તેવો માહોલ સર્જાયો છે. ગત રાત્રે મહુડી ભાગોળ બહાર જકાતનાકા નજીક આવેલી કોહિનૂર પાર્ક સોસાયટીમાંથી એક એકટીવા સ્કૂટર સહિત ત્રણ મોટર સાયકલ અને ત્યારબાદ સીમળીયા ગામમાંથી બે મોટર સાયકલ ચોરી જતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ સાથે હાહાકાર મચી ગયો છે.
કોહિનૂર પાર્ક સોસાયટીમાં રહેતા સાજીદ બચુમીયા શેખના ઘર આંગણે પાર્ક કરેલી એકટીવા સ્કૂટર તસ્કરો બેફિકરાઈથી ઉઠાવી ગયા હતા. આ ઉપરાંત સરફરાઝ અબ્દુલગફૂર ખત્રીની સ્પ્લેન્ડર મોટર સાયકલ અને સાજીદભાઈ થીમવાળાની મોટર સાયકલ પણ અજાણ્યા તસ્કરો મધ્યરાત્રિના સમયે ચોરીને પલાયન થઈ ગયા હતા. બાદમાં સાજીદ શેખની એકટીવા ટીંબી ફાટક પાસે બંધ હાલતમાં રેઢી મૂકેલી મળી આવતા ચોરટાઓની નિર્ભયતા સ્પષ્ટ જોવા મળી હતી.
સીમળીયા ગામ સુધી તસ્કરોની દાદાગીરી, સવારે ચોરીની બુમો, પોલીસ માત્ર અરજી લઈને સંતોષમાં?
કોહિનૂર પાર્ક બાદ તસ્કરો સીમળીયા ગામમાં ઘૂસ્યા હોવાનું બહાર આવ્યું છે. ગામમાં રહેતા ભગવતી જયસ્વાલ અને ભીખાભાઈ તડવીની મોટર સાયકલો ચોરી જતા સવાર પડતાં જ ડભોઇથી લઈ સીમળીયા સુધી વાહન ચોરીની બુમો ઉઠી હતી. ચોરીના ભોગ બનેલા વાહન માલિકોએ ડભોઇ પોલીસને જાણ કરતા પોલીસે માત્ર અરજી લઈ “ચોર ઝડપાઈ જશે” તેવી દિલાસા આપી રવાના કરી દેતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સતત વધી રહેલા ચોરીના બનાવો સામે અસરકારક કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.
હજુ કેટલી ચોરી થશે, લોકો ભયભીત બન્યા
ડભોઇમાં 17 ડિસેમ્બરની મધ્યરાત્રિએ સાત મકાનોના તાળા તોડવાના બનાવોથી ચોરીનો સિલસિલો શરૂ થયો હતો. ત્યારબાદ 18 ડિસેમ્બરે વસઈવાલા જીન વિસ્તારમાંથી 11 તોલા સોનાના દાગીના અને રૂ. 3,500 રોકડની ઘરફોડ ચોરી થઈ હતી. હવે ત્રીજા દિવસે કોહિનૂર પાર્કમાંથી ત્રણ અને સીમળીયા ગામમાંથી બે મોટર સાયકલોની ચોરી થતાં ચોરટાઓએ ડભોઇ નગરને સંપૂર્ણ રીતે બાનમાં લઈ લીધો હોવાનું લોકો માની રહ્યા છે. એક પછી એક ચોરીના બનાવોથી તસ્કરોના હોસલા બુલંદ અને પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવી છે.
‘સેફ એન્ડ સિક્યોર’નો દાવો ખોખલો, ચોરટાઓ સામે કેમેરા પણ નિષ્ફળ
ગૃહ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ડભોઇ નગરમાં જર્મન ટેકનોલોજીના સીસીટીવી કેમેરા લગાવી નગરને ‘સેફ એન્ડ સિક્યોર’ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ હકીકતમાં આજદિન સુધી કોઈ મોટા ગુનાનો ભેદ ઉકેલવામાં આ કેમેરા ઉપયોગી સાબિત થયા નથી. ચોરી, ઘરફોડ અને વાહન ચોરીના બનાવો સતત વધી રહ્યા છે, છતાં એકપણ કેસમાં ઝડપી પરિણામ ન આવતા નગરજનોમાં ભારે નારાજગી છે. રાત પડતાં જ લોકો ભયભીત બની જાય છે અને ડભોઇ નગર ‘સેફ’ નહીં પરંતુ ‘અસુરક્ષિત’ બની ગયું હોવાનું જનભાવના વ્યક્ત કરી રહી છે.