ડભોઇ ઉત્સવપ્રિય નગરી તરીકે ઓળખાય છે. આ નગરીમાં વૈષ્ણવ હવેલીઓ આવેલી છે.ઝારોલાવાગામાં શ્રી દ્વારકાધીશની હવેલી, વિશાલાડ વાગામાં શ્રીનાથજીની હવેલી જ્યારે ઉમા સોસાયટીની શ્રી છોટે દ્વારકાધીશની હવેલી. આમ નગરમાં ત્રણ વૈષ્ણવ હવેલીઓ વિવિધ વિસ્તારોમાં આવેલી છે. આ તમામ વૈષ્ણવ હવેલીઓમાં રોજ નીતનવા ભગવાનને શણગાર સજાવીને દર્શન સવાર થી સાંજ સુધી થાય છે. હોળી અગાઉથી જ મંદિરમાં હોળીનો ડંડો રોપવામાં આવે છે. એ દિવસે રાડ ઉડાડવામાં આવે છે. ત્યારબાદ અગિયારસથી પૂનમ સુધી આમ સતત પાંચ દિવસ સુધી સાંજે ૬.૪૫ કલાકે મંદિરમાં ભગવાન સમક્ષ રાડ ઉડાડવામાં આવે છે. આ દર્શનનો અમૂલ્ય લ્હાવો વર્ષમાં એક જ વાર મળે છે. જેના કારણે શ્રદ્ધાળુઓ મંદિર ખાતે સાંજે મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
ડભોઇ નગરની વૈષ્ણવ હવેલીઓમાં મંગળા આરતીથી માળી શ્રુંગાર દર્શન અને રાજભોગના દર્શન બપોરના બાર વાગ્યા સુધી થાય છે. જ્યારે બપોરના ૧૨ પછી મંદિર બંધ થાય છે. ભગવાન પોઢી ગયા હોવાથી મંદિર સદંતર બંધ રહે છે.જ્યારે સાંજના ચાર કલાકથી મંદિર ખુલી જાય છે.જેમાં મુખ્યત્વે સાંજના ૬.૩૦ કલાકે ખુલતા દર્શનમાં રાડ ઉડાડવામાં આવે છે.મુખ્યાજી રાડ પર કલર નાખે છે તે સમયે મોટો ભડકો અગ્નિનો થાય છે.જેના કારણે ભક્તજનો હોળી હૈ…હોળી હૈ…ની બૂમો થી વાતાવરણ ગજવી મૂકે છે.આ લ્હાવો અગિયારસ થી પૂનમ સુધી જ મળે છે.જેથી હોળી અગાઉ પાંચ દિવસ સુધી આ દર્શનનો અમૂલ્ય લાભ લેવા શ્રદ્ધાળુઓ અગાઉથી જ આતુરતાથી રાહ જોઈ બેઠા હોય છે.
