એવલોન વર્લ્ડ સ્કૂલ અને મહેદવીયા સાર્વજનિક હાઈસ્કૂલને ધમકીભર્યો ઈ-મેલ, FSL તપાસ બાદ શાળાઓ સીલ
ગુજરાત મિત્ર ન્યુઝ, ડભોઇ
અમદાવાદ અને વડોદરાની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેલ બાદ હવે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં પણ બે શાળાઓને નિશાન બનાવવામાં આવી છે. ડભોઇના વેગા પાસે આવેલી એવલોન વર્લ્ડ સ્કૂલ તેમજ ડભોઇ નગરના લાટી બજાર વિસ્તારમાં આવેલી મહેદવીયા સાર્વજનિક હાઈસ્કૂલને મોડી રાત્રે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેલ તંત્રને મળ્યો હતો, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

ધમકી મળતાની સાથે જ ડભોઇ પી.આઈ. જે.એમ. ચાવડા સહિત પોલીસ સ્ટાફ તાત્કાલિક બંને શાળાઓ પર પહોંચ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે બંને શાળાઓ તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. બાદમાં **ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)**ની ટીમ દ્વારા બંને શાળાઓમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ બંને શાળાઓને સીલ કરી દેવામાં આવી છે અને આસપાસ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક પદાર્થ મળ્યો નથી, તેમ છતાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. બીજી તરફ, તપાસ એજન્સીઓ માટે અનેક સવાલો ઉભા થયા છે—શું આ કોઈ આતંકી સંગઠનની નવી રીત છે? આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને ઈ-મેલ મારફતે ભય ફેલાવવાનો પ્રયાસ છે? કે પછી પોલીસ અને સરકારને દોડતી કરવા માટે કોઈ માથાભારે ઇસમ અથવા માનસિક રીતે અસ્થિર વ્યક્તિનું કારસ્તાન?
આ તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તપાસ એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ધમકીભર્યા ઈ-મેલ મોકલનારની ઓળખ માટે સાયબર ક્રાઈમ વિભાગની મદદ લેવાઈ રહી છે.