એક જ રાતમાં ચોરીથી ભયનું વાતાવરણ, શહેરમાં વધતી ઘરફોડથી લોકોમાં ફફડાટ
ગુજરાત મિત્ર ન્યુઝ | ડભોઇ |
ડભોઇ શહેરની નંદનવન સોસાયટીમાં એક જ રાત્રી દરમિયાન તસ્કરોએ ચાર મકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપતાં સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. આ બનાવમાં એક મકાનમાંથી સોનાની બુટ્ટીઓ, અંગૂઠી તથા રૂ. ૪,૦૦૦ રોકડ રકમ ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા.
છેલ્લા પંદર દિવસથી ડભોઇમાં તસ્કરોનો આતંક વધતો જઈ રહ્યો છે. ગત સપ્તાહમાં એક જ રાતમાં સાત બંધ મકાનો અને એક એક્ટીવાની ચોરી બાદ વસઈ વાળા જીન વિસ્તારમાં બંધ મકાનમાંથી રૂ. આઠ લાખના દાગીના અને રૂ. ૩,૫૦૦ રોકડની ચોરી નોંધાઈ હતી. ત્યારબાદ કોહિનૂર પાર્ક સોસાયટી અને સીમળીયા ગામમાંથી પાંચ મોટરસાયકલની ચોરી થતાં નગરજનોમાં ભારે ચિંતા ફેલાઈ છે.
હાલમાં વિભાગીય નાયબ પોલીસ અધિક્ષકની કચેરી પાછળ આવેલી નંદનવન સોસાયટીમાં રાકેશભાઈ બ્રહ્મભટ્ટ, આર.પી. શાહ, પ્રવિણભાઈ સોની, પિંકલબેન પટેલ, ધ્રુવ તડવી સહિતના રહેવાસીઓના મકાનો તસ્કરોના નિશાને આવ્યા છે. દિવસે રોલકોલ કરતી પોલીસ સામે રાત્રે તસ્કરો નવાં દાવ અજમાવી રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.
ઠંડીનું જોર ઘટ્યું હોવા છતાં ચોરીઓ ચાલુ રહેતાં સોસાયટી વિસ્તારો પણ હવે અસુરક્ષિત બન્યા છે. સવાર થતાં પોલીસને જાણ કરાય ત્યારે જ ચોરીનો ખ્યાલ આવતો હોવાની ફરિયાદો છે.
પરપ્રાંતીયો અને સ્થાનિક શકમંદો પોલીસની નજરથી અળગા રહેતા આશ્ચર્ય
છેલ્લા પંદર દિવસમાં ઘરફોડ અને વાહન ચોરીઓ વધવા છતાં ચેન રિપેરિંગ, જૂના મોબાઈલ વેચાણ, ફુગ્ગા વેચવા જેવા કામે ફરતા પરપ્રાંતીયો અને સ્થાનિક શકમંદો નિર્ભયપણે શેરીએ શેરીએ ફરતા જોવા મળતાં નગરજનોમાં આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટર: સઇદ મન્સૂરી