બંધ મકાનનું તાળું તોડી તિજોરી ફોડી તસ્કરો ફરાર
સતત બીજા દિવસે પણ ચોરી, નગરમાં ભયનો માહોલ
ગુજરાત મિત્ર ન્યુઝ
ડભોઇ |
ડભોઇ શહેરમાં ચોરીની ઘટનાઓનો સિલસિલો યથાવત રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ડભોઇના મહુડી ભાગોળ બહાર આવેલી વસઈવાલા જીન વિસ્તારમાં બંધ મકાનનું તાળું તોડી અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
વસઈવાલા જીનમાં રહેતા શબ્બીરહુસેન ફકીરમહમદ તાઈ ચાર દિવસ અગાઉ પરિવાર સાથે અજમેર દરગાહ ખાતે દર્શન અર્થે ગયા હતા. આ દરમિયાન અજાણ્યા ચોરટાઓએ તેમના બંધ મકાનના નકૂચા તથા લોખંડની જાળી તોડી અંદર પ્રવેશ કર્યો હતો. મકાનમાં રાખેલી બે તિજોરી તોડી તેમાં રહેલા સોનાના દાગીના, ચાંદીના સામાન તેમજ રૂ. 35,000 રોકડ મળી કુલ અંદાજિત રૂ. 8 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
પરિવાર સવારના સમયે પરત ફરતાં મકાનની લોખંડની જાળી ખુલ્લી અને અંદર સામાન વેરવિખેર હાલતમાં જોવા મળતાં ફાળ પડી હતી. ઘરમાં પ્રવેશ કરતા જ ચોરીનો બનાવ સામે આવતા પરિવાર ચિંતાતુર બન્યો હતો, જ્યારે મહિલાઓમાં રોધકણ મચી જવા પામી હતી.
ઘટનાની જાણ ડભોઇ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સ્થળ તપાસ કરી ફરિયાદ નોંધીને ઘરફોડ ચોરીના ગંભીર ગુનામાં તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગત રોજ જ ડભોઇમાં એક જ રાત્રિ દરમિયાન સાત જુદી જુદી જગ્યાએ ઘરફોડ અને વાહન ચોરીના બનાવ બન્યા હતા. તેના બીજા જ દિવસે ફરી ચોરીની ઘટના સામે આવતાં નગરજનોમાં અસુરક્ષાની ભાવના વધુ ઘેરી બની છે.
‘સેફ એન્ડ સિક્યોર’ નગર હોવા છતાં ચોરટાઓનો આતંક યથાવત
ગૃહ વિભાગ દ્વારા ‘સુરક્ષા સેતુ સોસાયટી’ યોજના અંતર્ગત ડભોઇ નગરને જર્મન ટેક્નોલોજીના સીસીટીવી કેમેરાથી સજ્જ કરી ‘સેફ એન્ડ સિક્યોર નગર’ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ નગર સેફ એન્ડ સિક્યોર બન્યા બાદ પણ ગુનાખોરીના બનાવોમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ અત્યાર સુધી કોઈપણ મોટા ગુનામાં આ કેમેરા નિર્ણાયક પુરાવા પૂરાં પાડી શક્યા નથી કે ગુનાનો ભેદ ઉકેલી શકાયો નથી. પરિણામે ગૃહ વિભાગની સેફ એન્ડ સિક્યોર યોજનાની અસરકારકતા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. હાલ તો ડભોઇ નગરના લોકો ચોરટાઓના આતંકથી ભયભીત બની ગયા છે અને રાત પડતાં જ લોકો ઘરમાં બંધ થઈ જવા મજબૂર બન્યા છે.
અહેવાલ— સઈદ મનસુરી, ડભોઇ