જીવંત વીજ લાઇન તૂટી જતા તણખા ઝર્યા, વિસ્તારનો વીજ પુરવઠો કલાકો સુધી બંધ
ગુજરાત મિત્ર ન્યુઝ
ડભોઇ | તા. 18
ડભોઇ શહેરના વકીલ બંગલા નજીક આજે ડામર રોડના કામ માટે કપચી ભરેલી હાઈવા ટ્રકના કારણે ગંભીર ઘટના સર્જાઈ હતી. હાઈવા ટ્રક દ્વારા વીજ વાયરો સાથે વીજ પોલ ખેંચાઈ જતા પોલ મૂળમાંથી જ ઉખડી પડ્યો હતો, જેના કારણે વિસ્તારમાં અચાનક અફરાતફરી મચી ગઈ હતી.
ડભોઇના વકીલ બંગલાથી સરકારી દવાખાના તરફ જઈ રહેલી હાઈવા ટ્રક ડામર માર્ગ બનાવવા માટે કપચી લઈ જઈ રહી હતી. આ દરમિયાન ટ્રકના ઉપરના ભાગે વીજ કેબલો ફસાતા જીવંત વીજ લાઇન સાથેનો વીજ પોલ ખેંચાઈ ગયો હતો. પોલ જમીનમાંથી ઉખડી પડતા ભારે સ્પાર્કિંગ થયું હતું અને આગના તણખા ઉડતા લોકોમાં ભય ફેલાયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ જીવ બચાવવા દોડધામ મચાવી દીધી હતી.
સદનસીબે, હાઈવા ટ્રકના ચાલકનો કોઈ જાનહાનિ વગર બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક એમ.જી.વી.સી.એલ.ને જાણ કરવામાં આવી હતી, જેના પગલે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. બાદમાં જે.સી.બી. મશીનની મદદથી વીજ પોલને ઊંચો કરી હાઈવા ટ્રકને આગળ ખસેડવામાં આવી હતી.
કલાકોની મહેનત બાદ વીજ કર્મચારીઓ દ્વારા મરામત કાર્ય પૂર્ણ કરી વિસ્તારમાં ફરીથી વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વીજ કંપની દ્વારા હાઈવા ટ્રકના માલિક પાસેથી થયેલ નુકસાનની વસૂલાત માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહેવાલ: સઈદ મનસુરી, ડભોઇ