જીવંત વાયરો સાથે પડતાં ભયનો માહોલ, સદનસીબે જાનહાનિ ટળી
ડભોઇ: ડભોઇના દશાલાડ વાડી સામે આવેલા રામટેકરી વિસ્તારમાં એક ક્ષતિગ્રસ્ત વીજ પોલ આકસ્મિક રીતે જમીન લેવલેથી તૂટી પડ્યો હતો. જીવંત વીજ વાયરોના માળખા સાથે આ પોલ નજીકના મકાનની ગેલેરી પર ધરાશાયી થતાં વિસ્તારના રહેવાસીઓમાં ભય અને અફરાતફરી મચી ગઈ હતી. જોકે સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી.
પ્રાપ્ત માહિતી મુજબ, ગામ તળાવ કિનારા નજીક આવેલા રામટેકરી વિસ્તારમાં ચાલુ વીજ લાઈનો સાથેનો વીજ પોલ મોટા અવાજ સાથે તૂટી પડ્યો હતો. ઘટના સમયે ગેલેરીમાં કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ અચાનક બનેલા બનાવે લોકોમાં આશ્ચર્ય અને ભયનું વાતાવરણ સર્જાયું હતું.
બનાવની જાણ થતાં જ MGVCLની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વીજ કર્મચારીઓએ તરત જ વીજ પુરવઠો બંધ કરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી અને નવો વીજ પોલ નાખવાની કાર્યવાહી સાથે સમારકામ હાથ ધર્યું હતું. સમયસર પગલાં લેવાતા વિસ્તારના લોકોને રાહત મળી હતી.
નગરમાં જોખમી વીજ પોલને લોખંડના સપોર્ટથી ઉભા રખાયા
ડભોઇ નગરમાં કેટલાક વિસ્તારોમાં MGVCL દ્વારા લોખંડ અને સિમેન્ટના ક્ષતિગ્રસ્ત વીજ પોલને લોખંડના પાટા અને ચપલા મારી સપોર્ટ આપી ઊભા રાખવામાં આવ્યા છે. આવા પોલ પર જીવંત વીજ વાયરો કાર્યરત હોવાને કારણે ભવિષ્યમાં અકસ્માતની શક્યતા નકારી શકાય નહીં. જો આવી રીતે કોઈ દુર્ઘટના ઘટે તો તેની સંપૂર્ણ જવાબદારી MGVCL પર જ રહેશે, તેવી ચર્ચા નગરમાં જોર પકડી રહી છે.
રિપોર્ટર: સઈદ મનસુરી, ડભોઇ