Dabhoi

ડભોઇના માર્ગો પર વૈશ્વિક યુદ્ધની પરોક્ષ અસરના દ્રશ્યો: ગેસની અછત, મુસાફરીમાં કરકસર અને બદલાતું રોજિંદું જીવન

બાયપાસ પર ઈકો કારની છત પર ચાર બાઈક સાથે મુસાફરોનો પ્રવાસ, ગેસ એજન્સીઓ પર લાંબી લાઈનો
મિડલ ઈસ્ટ તણાવની અસર ગ્રામ્ય વિસ્તારો સુધી: હોટલો, લારીઓ અને ચાની કીટલીઓના ધંધા પર અસર

ગુજરાત મિત્ર ન્યુઝ, ડભોઈ:

મિડલ ઈસ્ટ વિસ્તારમાં વધતા આંતરરાષ્ટ્રીય તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિની પરોક્ષ અસર હવે ગ્રામ્ય વિસ્તારો સુધી અનુભવાઈ રહી હોવાનું ડભોઈ પંથકમાં જોવા મળતા દ્રશ્યો પરથી અનુમાન થાય છે. ડભોઈ બાયપાસ પાસે પસાર થતી એક ઈકો કારમાં મુસાફરો સાથે તેની છત પર ચાર મોટરસાયકલો અને સામાન દોરડા વડે બાંધીને લઈ જતાં જોવા મળતાં સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

હોળી પર્વને પગલે વતન આવેલા મજૂરો, કોન્ટ્રાક્ટરો અને ખાડી દેશોમાં કામ કરતા લોકો હવે પરત ફરતા ખર્ચ બચાવવા માટે પોતાના વાહનો સાથે જ મુસાફરી કરતા હોવાનું જાણવા મળે છે. આ પ્રકારના દ્રશ્યો અગાઉ ભાગ્યે જ જોવા મળતા હતા, જેના કારણે લોકોમાં વૈશ્વિક પરિસ્થિતિની અસર અંગે ચિંતા વ્યક્ત થવા લાગી છે.
બીજી તરફ ડભોઈ શહેરની ગેસ એજન્સીઓ પર ઘરેલું ગેસ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અનેક ગ્રાહકોને ગેસ સિલિન્ડર ન મળતા ખાલી હાથે પરત ફરવું પડતું હોવાનું પણ જાણવા મળે છે. હોટલો, ભજીયા સ્ટોલ, ચાની કીટલીઓ અને ખાણીપીણીની લારીઓના વ્યવસાય પર પણ ગેસની તંગીની અસર દેખાઈ રહી છે.
સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ ગેસની અછત અને ભાવવધારા જેવી પરિસ્થિતિ લાંબા ગાળે ચાલુ રહેશે તો નાના ધંધાર્થીઓ માટે મુશ્કેલી વધવાની શક્યતા છે.

ગેસની તંગીને કારણે ખાણીપીણીના ધંધાઓ પર અસર
ઘરેલું ગેસ વિતરણ કરતી એજન્સીઓ પર ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ગેસના અભાવે ભજીયા સ્ટોલ, ચાની કીટલીઓ અને ખાણીપીણીની લારીઓ સહિત અનેક નાના ધંધાઓ અંશતઃ અથવા સંપૂર્ણ બંધ કરવાની ફરજ પડી રહી છે. જેના કારણે રોજીરોટી માટે આવા ધંધાઓ પર આધારિત પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.

ઈંધણ અને ગેસના ભાવ વધારાની ભીતિથી લોકોમાં ચિંતા
મિડલ ઈસ્ટ વિસ્તારમાં વધતા તણાવને કારણે ઈંધણ અને ગેસના ભાવમાં વધારો થવાની શક્યતાઓને લઈને લોકોમાં ચિંતા વ્યાપી છે. તાજેતરમાં ઇન્ડસ્ટ્રીયલ ડીઝલના ભાવમાં વધારો જાહેર થયા બાદ પરત ખેંચાયો હતો, જ્યારે ગેસના ભાવમાં વધારો નોંધાતા આવનારા સમયમાં રોજિંદા જીવન પર તેની અસર જોવા મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રિપોર્ટર:;સઈદ મનસુરી

Most Popular

To Top