ડભોઇ:
ડભોઇ તાલુકાના મંડાળા ગામે આધુનિક કલા કોતરણી અને રંગરોગાન સાથે નિર્મિત કલાત્મક **‘મધુહંસ પ્રવેશ દ્વાર’**નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કાર્યક્રમના પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, ગામનું પ્રવેશ દ્વાર એ ગામની શક્તિ, સંગઠન અને સંસ્કારની ઓળખ હોય છે. સાથે જ આવા પ્રવેશ દ્વાર મારફતે અસામાજિક અને ખોટી મનોવૃત્તિ ધરાવતા લોકોના પ્રવેશને રોકવાની જવાબદારી પણ ગામજનની હોવી જોઈએ.
મંડાળા ગામના વતની અને હાલ અમેરિકા ખાતે વસવાટ કરતા રાજેન્દ્રભાઈ મધુસૂદનભાઈ પટેલ દ્વારા તેમના પિતાની સ્મૃતિમાં દાતા તરીકે આગળ આવી ગામની ભાગોળમાં આ સુંદર ‘મધુહંસ પ્રવેશ દ્વાર’નું નિર્માણ કરાવવામાં આવ્યું છે. પ્રવેશ દ્વાર પૂર્ણ થતાં તેનું ઉદ્ઘાટન રમણભાઈ જગાભાઈ પટેલ (બબુમડા) તથા કાર્યક્રમના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ લોકાર્પણ સમારંભમાં વડોદરાના પૂર્વ મેયર રણજીતભાઈ ચૌહાણ, મઢી સુગર ફેક્ટરીના ચેરમેન સમીર છીતુભાઈ ભક્તા, વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ (વકીલ), અશોકભાઈ પટેલ (કારવણ), ઉમેશભાઈ પટેલ (મંડાળા) સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં મંડાળા તેમજ આજુબાજુના ગામોના આગેવાનો, ગ્રામજનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર– સઈદ મનસુરી, ડભોઇ