Vadodara

ડભોઇથી વાઘોડિયાના રોડ પર પાણી ફરી વળ્યા, વાહન વ્યવહાર બંધ

ડભોઇ તાલૂકાના 17 ગામોને એલર્ટ કરાયા

સમગ્ર ગુજરાતમાં નરાધાર મેઘવર્ષા થતા ડભોઇ તાલુકામાંથી પસાર થતી ગાંડીતુર બની છે .જેને લઇ ડભોઇ તાલુકાના ૧૭ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હાલ ડભોઈ થી વાઘોડિયા તરફ જતા તમામ માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે. વાઘોડિયા જીઆઇડીસી માં નોકરી જતા, શાળા કોલેજો કે વેપાર ધંધાર્થે જતા આવતા લોકો માર્ગ પર અટવાઈ ચૂક્યા છે.
સમગ્ર ગુજરાતની સાથે વડોદરા, છોટાઉદેપુર જિલ્લાઓ મા પાછલા ૩૬ કલાકમાં એકધારી મેઘ મહેર થતા તેની સીધી અસર ડભોઇ તાલુકામાં જોવા મળી છે. ડભોઇ તાલુકાના નદી નાળા પણ છલકાઈ ચૂક્યા છે . જેમાં સૌથી વધુ અસર તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી પર જોવા મળી છે. તાલુકાના ઢોલાર ગામથી લઈ કરજણ સુધી જતી આ નદી તોફાની બની ચૂકી છે જેને લઇ ડભોઈ તાલુકાના ૧૭ જેટલા ગામો ને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં ડભોઇ અને વાઘોડિયા તાલુકાના જોડતા તમામ માર્ગો પર પાણી ફરી વળતા હાલ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. જેના પરિણામે ડભોઇથી વાઘોડિયા જીઆઇડીસીમાં જતા સેકડો નોકરિયાતો, વાઘોડિયા કોલેજમાં જતા વિદ્યાર્થીઓ, વ્યાપાર ધંધા અર્થે જતા વેપારીઓને રોડ પર આંટો આવવાનો વારો આવ્યો છે. વાસ્તવિકતા એ છે કે જો વૈકલ્પિક માર્ગ જોવા જઈએ તો આ તમામ લોકોને કપૂરી ચોકડી નેશનલ હાઇવે નંબર ૪૮ પરથી ફરીને ૫૫ થી ૬૦ કિલોમીટરનો ફેરાવો કરવો પડે તેવી શક્યતાઓ માં મુકાઈ ગયા છે. તેઓ ફરીને જાય તો તેઓની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ જાય તેમ છે. પ્રભાવિત અને એલર્ટ કરાયેલા ગામો જોવા જઈએ તો બંબોજ, ગોજાલી, રાજલી, અંગુઠણ, ભિલાપુર, વાયદપુરા, બહેરામપુરા, નવાપુરા, થુવાવી, બનૈયા, દંગી, વાળા, કરાલી,કરાલીપુરા , નારણપુરા લુણાદરા , અમરેશ્વર અને મોતીપુરાનો સમાવેશ થાય છે . જોકે પૂરની પરિસ્થિતિ હજુ એટલી વકરી નથી કે પ્રભાવિત ગ્રામજનોને સ્થળાંતર કરવાનો વારો હજુ સુધી આવ્યો નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે ડભોઇ નો ડિઝાસ્ટર મેનેજમેન્ટ હાલ તદ્દન ફેલ થતું જોવા મળી રહ્યું છે . આવનારા દિવસોમાં જો પંચમહાલ જિલ્લાના દેવડેમ માંથી પાણી છોડવામાં આવે તો ડભોઇ પંથકની કેવી હાલત થાય એ તરફે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કોઈપણ નક્કર પગલાં ભર્યા હોય તેમ જણાતું જ નથી.
(બોક્સ)
ડભોઇ ફ્લડ ડ્યુટી મેનેજમેન્ટ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે દેવ ડેમમાંથી ગત રાત્રિના આઠ કલાકે મળેલ ટેલીફોનિક મેસેજ મુજબ રાત્રે ૧ વાગ્યે સંભવિત દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવશે. પરંતુ દેવડેમ તેની મહત્તમ સપાટી સુધી ન ભરાતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું નથી. તો સવાલ એ ઉભો થાય છે કે વડોદરા જિલ્લાના ઢાઢર નદી ને પ્રભાવીત કરતા વાઘોડિયા સંખેડા કે ડભોઇ તાલુકા માં એવો તો કેટલી હજુ સુધી વરસાદ પડ્યો કે ઢાઢર નદી ગાંડીતુર બની અને ડભોઇ વાઘોડિયા તરફ જતા તમામ માર્ગો પર પાણી પરિવર્તન વાહન વ્યવહાર ખોરવાયો? આ એક પ્રશ્ન ઊભો થઈ ચૂક્યો છે જે જોતા ડભોઇ ફ્લડડ્યુટી મેનેજમેન્ટ તદ્દન નિષ્ફળ જોવા મળી રહ્યું છે.

Most Popular

To Top