દીપકપુરા પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત છતાં બેજવાબદારી મામલે ઉહાપોહ
છત તૂટતાં ઇજા પામેલા બે કુમળા બાળકોને સામાન્ય સારવાર અપાવી ઘરે છોડી દેવાતાં ઉગ્ર રોષ
ઠાસરા તાલુકાની દીપકપુરા પ્રાથમિક શાળાના ઓરડાઓ છેલ્લા ઘણા સમયથી જર્જરિત બનેલા છે. ગ્રામજનો અને વાલીઓ દ્વારા આ મામલે વારંવાર ચિંતા વ્યક્ત કરી રજૂઆત કરી શાળાનું નવિનીકરણ કરવા માંગ વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ પ્રાથમિક શાળા આચાર્ય અને ઠાસરા તાલુકાના શિક્ષક સંઘના પ્રમુખની ઉદાસિનતા અને બેદરકારીને કારણે શાળાના બાળકોને જોખમી સ્થિતિ વેઠવી પડી છે. જેથી દીપકપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.
ઠાસરાના દીપકપુરા શાળાના જર્જરીત ઓરડામાં બાળકોને બેસાડવામાં આવતા બે બાળકો પર શાળાની છતનો પોપડો પડ્યો હતો. છત તૂટતાં જ ઓરડામાં બેસેલા વિધાર્થીઓએ નાસભાગ મચાવી દીધી હતી. છત તૂટ્યા બાદ જોખમી સ્થિતિમાં બે બાળકોને વધુ ઈજાઓ થઈ હોવા છતાંય બાળકની ખબર અંતર પૂછવા માટે આચાર્ય આવ્યા નહતા, તેમ વિદ્યાર્થીના દાદા ગોવિંદભાઈ રાઠોડ દ્વારા ઉગ્ર રોષ વ્યક્ત કરતાં જણાવાયું હતું. દીપકપુરા પ્રાથમિક શાળામાં બુધવારે બપોરના સમયે ધોરણ 5ના વર્ગખંડમાં બાળકો અભ્યાસ કરી રહ્યા હતાં. અચાનક શાળાની છતનો પોપડો તુટી પડતાં બે બાળકોને ઇજાઓ પહોંચી હતી. જોકે શિક્ષક ઈશ્વરભાઈ આ બન્ને બાળકો ને લઈને પીપલવાડ પીએસસી સેન્ટર માં લઈને ગયા હતા . પણ ડોક્ટર ને બતાવ્યા વગર બાળકોને દવા અપાવી ઘરે મોકલી આપ્યા હતા. આ ઘટનામાં કાર્તિક મહેશભાઈ રાઠોડ (ઉ.વ.10) અને રણજીત સામંતભાઈ રાઠોડ (ઉ.વ.10) વર્ષને ઇજા પહોંચી હતી.