Vadodara

ટ્રેનમાં ચડતી વખતે સાવધાન! કોસંબા સ્ટેશન પર પગ લપસતા વડોદરાના મુસાફરનું લોહી રેડાયું​


શહેરમાં અલગ-અલગ બનાવોમાં બાળક સહિત ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત, મોડી રાત સુધી દોડધામ મચી

વડોદરા: શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં કોસંબા રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતાં એક મુસાફર પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે સલાટવાડામાં રમતા-રમતા એક બાળક અને કિશનવાડીમાં લપસી પડવાને કારણે એક યુવક ઈજાગ્રસ્ત થતાં ત્રણેયને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર, વડોદરાના ગજરાવાડી પાણીની ટાંકી પાસે આવેલા સાંઈનગરમાં રહેતા 37 વર્ષીય લક્ષ્મણ રાધેલાલ બન્ચા ગત રાત્રે આશરે 8:00 વાગ્યાના સુમારે કોસંબા રેલવે સ્ટેશન પર હતા. આ દરમિયાન સ્ટેશન પર ટ્રેન આવતા તેઓએ ઉતાવળમાં ચાલુ ટ્રેને ચડવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રેનમાં ચડતી વખતે અચાનક તેમનો પગ લપસી જતાં તેઓ પ્લેટફોર્મ પર પટકાયા હતા. આ દુર્ઘટનામાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક ધોરણે તેમને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
બીજી ઘટના શહેરના સલાટવાડા વિસ્તારની છે. સલાટવાડા હનુમાનની ચાલીમાં રહેતા વિક્રમ ડોડીયાનો 6 વર્ષનો પુત્ર આરવ ગત રાત્રે 8:30 કલાકે પોતાના ઘરના આંગણામાં રમી રહ્યો હતો. રમતી વખતે અચાનક સંતુલન બગડતા તે નીચે પટકાતા તેને ઈજાઓ થઈ હતી. પરિવારજનો દ્વારા બાળકને તાત્કાલિક સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું.
​ત્રીજા બનાવમાં, કિશનવાડી ખોડીયાર ચોકમાં રહેતો 21 વર્ષીય દીપક રામુભાઈ તડવી રાત્રિના 12:00 વાગ્યાના સુમારે પોતાના ઘરે હતો. આ સમયે અચાનક પગ લપસી જવાથી તે પડી ગયો હતો, જેમાં તેને ઈજા પહોંચતા તેને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Most Popular

To Top