ટ્રાફિક નિયમના ભંગ બદલ દમન ગુજાર્યાનો આક્ષેપ; એસએસજી હોસ્પિટલના તબીબો પર પણ ગંભીર આરોપ
પ્રતિનિધિ | વડોદરા, તા. 6
વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા યુવક પર મારપીટ અને દમન ગુજાર્યાના ગંભીર આક્ષેપો સાથેનો મામલો હવે કોર્ટ સુધી પહોંચ્યો છે. ટ્રાફિક એસીપી સહિતના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં ન આવતાં, પીડિત યુવકે ન્યાય મેળવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે.
કરચિયા રોડ, બાજવા ફાટક પાસે આવેલી આમ્રપાલી રેસિડેન્સીમાં રહેતા કૌશિલસિંહ જાટે અરજીમાં જણાવ્યું છે કે તા. 3 જાન્યુઆરીના રોજ તેઓ બુલેટ પર અલકાપુરી (માંજલપુર) નોકરી જવા નીકળ્યા હતા. તે દરમિયાન દાંડિયાબજાર ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ નંબર પ્લેટ ન હોવા તથા મોડીફાઇડ સાયલેન્સરનો મુદ્દો ઉઠાવી બુલેટની ચાવી માગી હતી. યુવકે ચાવી ન આપતાં ટ્રાફિક પોલીસે તેના પર મારપીટ શરૂ કરી હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, યુવકને બળજબરીથી પોલીસ વાનમાં બેસાડી સયાજીગંજ સ્થિત ટ્રાફિક કચેરી લઈ જવાયો હતો, જ્યાં વાનમાં પણ ઢોર માર મારવામાં આવ્યો હતો. કચેરીએ પહોંચ્યા બાદ ટ્રાફિક એસીપી ડી.એમ. વ્યાસ સહિતના પોલીસ કર્મચારીઓએ વાળ ખેંચી લાકડી વડે ફટકા માર્યા હોવાનો તેમજ માનવતા ભંગ થાય તે રીતે પ્રાઇવેટ પાર્ટ પર લાતો મારી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવકનો દાવો છે કે અન્ય પોલીસ કર્મચારીઓએ રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એસીપીએ ધ્યાન ન આપ્યું.
મારપીટ બાદ યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં એક્સ-રે, સોનોગ્રાફી અને સિટી સ્કેન સહિતના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, યુવકનો આક્ષેપ છે કે એસએસજી હોસ્પિટલના કેટલાક તબીબોએ પોલીસને બચાવવા માટે “કોઈ તકલીફ નથી” કહી ડિસ્ચાર્જ લેવા દબાણ કર્યું હતું.
યુવક દ્વારા એસએસજી હોસ્પિટલ તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા પ્રયાસ કરાયો હતો, પરંતુ ક્યાંય FIR નોંધવામાં આવી ન હોવાનું જણાવ્યું છે. પરિણામે, હવે ટ્રાફિક એસીપી ડી.એમ. વ્યાસ સહિતના પોલીસ કર્મચારીઓ સામે FIR નોંધાવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી છે.
પુરાવા નાશ થવાની આશંકા : યુવકનો આક્ષેપ
યુવકનો દાવો છે કે જો તાત્કાલિક FIR નોંધવામાં નહીં આવે તો ઘટનાસ્થળ દાંડિયાબજાર–અકોટા ચાર રસ્તા સહિતના સરકારી અને ખાનગી સ્થળોના CCTV ફૂટેજ નાશ થઈ શકે છે. આ ઉપરાંત, આરોપી પોલીસ કર્મચારીઓના નિવેદન કે સ્ટેટમેન્ટ પણ આજદિન સુધી લેવામાં આવ્યા નથી. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી કોર્ટમાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવાની માંગ કરવામાં આવી છે.