Business

ટ્રમ્પ શાસનના નિર્ણયો અને બદલાતી વિશ્વવ્યવસ્થા

ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્ર પ્રમુખ બન્યા પછી અમેરિકામાં તેમણે ઘણાં ઝડપથી પગલાં લેવા માંડ્યાં છે, જે એમને લાગે છે કે અમેરિકાને ફરી ‘મહાન’ બનાવવામાં મદદ કરશે. ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસેલાં ભારતીયોને અમેરિકાના લશ્કરી વિમાન દ્વારા પરત મોકલવામાં આવ્યાં, એ વાતે ભારતના મિડિયા અને સોશ્યલ મિડિયામાં ઠીકઠીક ચર્ચા થઇ રહી છે. ચર્ચાનો સૂર એમની કાયદેસરતા, માનવીય વ્યવહાર, અમેરિકી લશ્કરી વિમાનનું ભારતની ભૂમિ પર ઉતરાણ જેવા મુદ્દાઓની આજુબાજુ છે.

પણ,અગત્યનો એક મુદ્દો એ પણ છે કે વૈશ્વિકીકરણના સમયમાં પણ એક દેશમાં તકથી વંચિત રહેલા માણસ માટે દુનિયાના કોઈ પણ ખૂણે તક ઊભી થતી નથી. મૂડી અને શ્રમ, બંને ઉત્પાદનનાં મહત્ત્વનાં સાધન કહેવાય. પણ વૈશ્વિકીકરણની પ્રક્રિયાએ એક દેશની વધારાની મૂડી માટે અન્ય દેશમાં રોકાણના અવસર તો શોધી લીધા, એવી તક શ્રમશક્તિ માટે ઊભી થઇ નહિ. ટ્રમ્પ શાસનમાં શ્રમ અને મૂડી વચ્ચેની વિસંગતિ વધશે એનાં એંધાણ પાછલા બે અઠવાડિયામાં જ લેવાયેલા નિર્ણયોમાં આવી રહ્યા છે.

રાષ્ટ્ર પ્રમુખની ઓફીસમાં આવ્યાના બે જ  અઠવાડિયાંમાં ડોનાલ્ડ ટ્રમ્પે લેવાયેલા ઘણા વિવાદાસ્પદ નિર્ણયોમાં આર્થિક સહાયોને પાછી ખેંચવાના નિર્ણય પણ ખરા. પહેલા જ દિવસે એમણે વિદેશમાં જતી મદદને નેવું દિવસ માટે અટકાવી દીધી.DOGE(ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્નન્સ એફિસીઅન્સી)નામનો નવો વિભાગ શરૂ કરી એનું નેતૃત્વ એલન મસ્કને સોંપ્યું છે, જેમની જવાબદારી  ‘બિનજરૂરી’ લાગતા ખર્ચને અટકાવવાની છે.

આમ પણ ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિ સાથે વિદેશોમાં જતી સહાયનો મેળ નથી ખાતો. જે વિષે ટ્રમ્પ ઘણી વાર જાહેરમાં બોલી ચૂક્યા છે. હવે,નિર્ણય મસ્ક જેવા વેપારીના હાથમાં છે – જે અમેરિકી લોકશાહી પ્રમાણે ચૂંટાયેલા પ્રતિનિધિ નથી. એમને નાણાંકીય હિસાબ સમજાય છે. એમને મન વિશ્વને સહાય કરવામાં અમેરિકાનાં નાણાં વેડફાય છે. આ સમજણ સાથે તેમણે પહેલી પસ્તાળ પાડી યુ.એસ.એઇડ નામની એજન્સી પર, જે ૧૯૬૧થી વિવિધ માનવકલ્યાણનાં કામો કરવા માટે સ્થાપવામાં આવી હતી. એને સરકારના બજેટમાંથી જ નાણાં ફાળવવામાં આવે છે.

આમ તો એનો હિસ્સો બજેટના ૧ થી દોઢ ટકા જેટલો જ છે, પણ વિશ્વભરમાં ક્યાંય કોઈ પણ આપત્તિ સમયે જે સહાય ફાળો પહોંચાડવામાં આવે છે એનો સૌથી મોટો હિસ્સો યુ.એસ.એઈડનો હોય છે. ૨૦૨૪માં યુ.એન.ના અંદાજ પ્રમાણે એનો હિસ્સો ૪૨ ટકા હતો. સરકાર દ્વારા જ સ્થપાયેલી, છતાં સ્વતંત્ર એવી આ  સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ વિશ્વમાં સ્વતંત્રતા, શાંતિ અને સમૃદ્ધિ સ્થાપવાનો છે. દુનિયાના સો થી પણ વધુ દેશોને યુ,એસ.એઇડની આર્થિક સહાય મળે છે, જે મોટે ભાગે આર્થિક વિકાસ, આરોગ્ય, શિક્ષણ, અન્ન સુરક્ષા, આબોહવાનાં પરિવર્તન કે આપત્તિ સમયે માનવીય સહાય માટે વપરાય છે.ઇથોપિયા,સોમાલિયા,સુદાન જેવા અત્યંત ગરીબ દેશો તેમજ યુક્રેન, સીરિયા અને આફ્ઘાનિસ્તાન જેવા યુદ્ધપીડિત દેશો યુ.એસ.એઇડના સૌથી મહત્ત્વના લાભાર્થી છે.

એક ઉદાહરણ તરીકે જેના પર સૌથી મોટી અસર પડવાની છે તે આરોગ્ય માટેના ફંડને  લઈએ. વિશ્વમાં આરોગ્ય અંગે સંશોધન માટે સૌથી વધુ ભંડોળ અમેરિકા આપે છે. એટલે એમાં કાપ આવવાથી સ્વાસ્થ્ય સંબંધી જોખમો ઊભાં થવાની ભીતિ ઘણા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. નવા રોગ સામે રસી વિકસાવવા માટે જરૂરી નાણાંથી લઇને કુપોષણ જેવા પ્રશ્નની સામે લડી રહેલા વિકાસશીલ દેશોમાં પૌષ્ટિક આહાર પૂરો પાડવો, સ્વચ્છ શૌચાલય ઊભાં કરવાં તેમજ સ્વચ્છ પાણી પહોંચાડવા જેવી મદદ માટે પણ નાણાંની અછત ઊભી થાય તો ટી.બી. અને ઝાડા જેવા રોગોને કાબૂ મેળવવા પર અસર પડશે, જેનાથી  માતા અને બાળ મૃત્યુ દર પર વિપરીત અસર થશે. ગરીબ,કુપોષિત અને અશિક્ષિત શ્રમશક્તિને ઘટાડવાને બદલે એમાં વધારો થશે.

યુ.એસ.એઇડની શરૂઆત સહિત યુદ્ધના સમયમાં થઇ. વિશ્વના દેશોને પોતાના તરફ ખેંચવા માટે જ્યારે અમેરિકા અને રશિયાની વચ્ચે હોડ લાગી હતી ત્યારે આર્થિક સહાય આપી, કૃતઘ્નતા તળે દબાયેલા વિકાસશીલ દેશોને પોતાના મિત્ર બનાવવાની નીતિ હતી. આજે ભલે સહિત યુદ્ધ રહ્યું નથી, એટલે ૬૦ અને ૭૦ ના દાયકાની નીતિ અપ્રસ્તુત લાગે, પણ આફ્રિકા અને એશિયાના ઘણા દેશો માટે આજની તારીખે પણ જીવતાં રહેવાની મથામણ ચાલુ છે. વિશ્વમાં પ્રવર્તતી અસમાનતાના તેઓ ઉદાહરણ છે.

પશ્ચિમી દેશોની સમૃદ્ધિમાં આ દેશોની જમીન પર રહેલાં સંસાધનોના ભરપૂર ઉપયોગનો પણ ફાળો છે. ઈરાક કે આફ્ઘાનિસ્તાન જેવા યુદ્ધથી તારાજ થયેલા દેશો છે જે બેઠા થવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેમની વર્તમાન બેહાલી પાછળ પણ અમેરિકા જેવા શક્તિશાળી દેશોની ભૂમિકાને અવગણી શકાય નહિ. આર્થિક સહાયોના ઉપયોગ પાછળ ભલે રાજકીય મંશા હોય, પણ એની નૈતિક જરૂરિયાત પણ છે. સહાય અચાનક બંધ થઇ જવાથી માત્ર માનવીય સ્તરે જ નહિ પણ આર્થિક અને રાજકીય કટોકટી ઊભી થવાની પણ સંભાવના છે. સરવાળે એ વૈશ્વિક વિસંગતિમાં જ વધારો કરશે એવું દેખાઈ રહ્યું છે.
નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top