અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર દુનિયાના અનેક દેશો પર અમેરિકાના પ્રવાસ માટેના નિયંત્રણો લાદવાની તૈયારી કરી રહ્યા છે. તેમના આ વખતના નિયંત્રણો તેમની પહેલી ટર્મ દરમ્યાન લાદવામાં આવેલા નિયંત્રણો કરતા વધુ વિશાળ સ્તરના હશે એમ જણાય છે. આ વખતે જેમના પર પ્રવાસ નિયંત્રણો લાદવાના છે તે દેશોને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જેમાં સંપૂર્ણ વિઝા પ્રતિબંધવાળા દેશો, આંશિક વિઝા નિયંત્રણવાળા દેશો અને ત્રીજી યાદીમાં એવા બાવીસ દેશો છે કે જેમની સરકારોને અમુક ઉણપો ૬૦ દિવસની સમયમર્યાદામાં દૂર કરવાનું જણાવાશે અને જો તેમ નહીં થાય તો આ દેશો પર પ્રવાસ નિયંત્રણો ચાલુ રહી શકે છે.
આ નવા આદેશમાં રશિયાના સાથી દેશો પર સખત નિયંત્રણો આવી શકે છે એમ ન્યૂયોર્ક ટાઇમ્સે અહેવાલ આપ્યો છે. મેમો દર્શાવે છે કે જેમના પર નિયંત્રણો લાદવાના છે તે દેશોને ત્રણ કેટેગરીઓમાં વહેંચવામાં આવ્યા છે જેમાં ફૂલ વિઝા સસ્પેન્શન અને આંશિક વિઝા સસ્પેન્શનનો સમાવેશ થાય છે. પહેલા જૂથમાં ૧૧ દેશો એવા છે કે જેમના નાગરિકોને અમેરિકાનો પ્રવાસ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ આવી શકે છે. આ દેશોમાં મધ્યપૂર્વ અને આફ્રિકાના કેટલાક દેશો, અફઘાનિસ્તાન, ક્યુબા, ઇરાન અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે.
બીજા જૂથમાં ૧૦ દેશોનો સમાવેશ થાય છે જેમના પર આંશિક વિઝા પ્રતિબંધો આવશે. આ પ્રતિબંધોને કારણે આ દેશોના ટુરિસ્ટ, સ્ટુડન્ટ વિઝા અને અન્ય ઇમિગ્રન્ટ વિઝાને અસર થઇ શકે છે. આ બીજા જૂથના દેશોમાં પાકિસ્તાન અને મ્યાનમારનો સમાવેશ થઇ શકે છે. સંપૂર્ણ વિઝા પ્રતિબંધવાળા દેશોમાં અફઘાનિસ્તાન, ભૂટાન, ક્યુબા, ઈરાન, લિબિયા, ઉત્તર કોરિયા, સોમાલિયા, સુદાન, સીરિયા, વેનેઝુએલા અને યમનનો સમાવેશ થઇ શકે છે. આંશિક વિઝા નિયંત્રણવાળા દેશોમાં બેલારુસ એરિટ્રિયા હૈતી લાઓસ મ્યાનમાર પાકિસ્તાન રશિયા સીએરા લિયોન દક્ષિણ સુદાન અને તુર્કમેનિસ્તાનનો સમાવેશ થઇ શકે છે.
આ ઉપરાંત ત્રીજી યાદીમાં એવા બાવીસ દેશો છે કે જેમની સરકારોને અમુક ઉણપો ૬૦ દિવસની સમયમર્યાદામાં દૂર કરવાનું જણાવાશે અને જો તેમ નહીં થાય તો આ દેશો પર પ્રવાસ નિયંત્રણો ચાલુ રહી શકે છે. આ દેશોમાં મોટા ભાગે ડોઆફ્રિકા ખંડના અને પેસેફિક વિસ્તારના વિવિધ નાના દેશોનો સમાવેશ થાય છે. ટીકાકારો આ યાદીમાં કેટલાક દેશોના સમાવેશ બદલ ટ્રમ્પ પ્રશાસનની ટીકા પણ કરી રહ્યા છે. ખાસ કરીને ભૂતાન જેવા દેશનો સમાવેશ સંપૂર્ણ પ્રતિબંધની યાદીમાં કરાયો તે માટે કોઇ નક્કર કારણ નથી.
એ પણ ઉલ્લેખનીય છે કે ટ્રમ્પની પહેલી ટર્મ વખતના નિયંત્રણોને મોટે ભાગે મુસ્લિમ દેશો પરના પ્રતિબંધો તરીકે જોવામાં આવતા હતા, આ વખતે પ્રતિબંધોની યાદીમાં ખ્રિસ્તી અને બૌદ્ધ દેશોનું પ્રમાણ મોટુ઼ં છે. અધિકારીઓએ એમ પણ જણાવ્યું છે કે આ યાદીઓ છેવટની નથી અને તેમાં હજી ફેરફાર થઇ શકે છે. વિદેશ મંત્રી માર્ક રૂબિયો સહિતના પ્રશાસને હજી આ યાદીને મંજૂરી આપી નથી. આ અહેવાલ પ્રગટ થયાને સારા એવા દિવસો પસાર થયા છે પરંતુ હજી સુધી તો ટ્રમ્પે પ્રવાસ નિયંત્રણો જાહેર કર્યા નથી પરંતુ વહેલા, મોડા તેઓ અમુક પ્રવાસ નિયંત્રણો તો જરૂર લાગુ કરશે એમ તેમની પ્રકૃતિ જોતા લાગે છે.
જો કે છેલ્લા અહેવાલ મુજબ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા એવા વિદેશી નાગરિકોના યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની યોજના અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે જેમના દેશો તેના ચકાસણી ધોરણોને પૂર્ણ કરતા નથી, કોઈ નવી તારીખ નક્કી કર્યા વિના હાલ આ યોજના મુલતવી રાખવામાં આવી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે સોમવારે જણાવ્યું હતું કે તે એક રિપોર્ટ પર કામ કરવાનું ચાલુ રાખી રહ્યું છે જે અપેક્ષિત વિઝા પ્રતિબંધો માટે આધાર તરીકે કામ કરશે પરંતુ તે ક્યારે તૈયાર થશે તે કહી શક્યું નથી. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કાર્યકાળના પહેલા દિવસે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં 21 માર્ચ સુધીમાં કયા દેશોમાં કયા નવા વિઝા પ્રતિબંધો લાગુ કરવા જોઈએ તે અંગે ભલામણો માંગવામાં આવી હતી. પરંતુ સત્તાવાર યાદી સબમિટ કરવાની નિયત તારીખ વ્હાઇટ હાઉસ તરફથી જાહેરાત કર્યા વિના આવી અને જતી રહી, અને રાજ્ય વિભાગના ટોચના પ્રવક્તાએ જાહેર કર્યું કે આ સમયમર્યાદા હવે અમલમાં નથી. વિદેશ વિભાગના પ્રવક્તા ટેમી બ્રુસે સોમવારે એક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ભલામણો માટે નવી તારીખ નક્કી કરવામાં આવી નથી.
ટ્રમ્પ માટે નવો મુસાફરી પ્રતિબંધ લાગુ કરવા અને પસંદગીના દેશોના વિદેશી નાગરિકો પર વિઝા પ્રતિબંધો લાદવા માટે પાયો નાખનાર અહેવાલને વહીવટીતંત્રે શા માટે મુલતવી રાખ્યો તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. “હું તેની અંગે વાત કરી શકતી નથી. પરંતુ હું તમને કહી શકું છું કે અમે એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા માંગવામાં આવેલા આદેશ પર કામ કરી રહ્યા છીએ,” બ્રુસે કહ્યું, તેમને “અન્ય દેશો પર પ્રતિબંધો” તરીકે વર્ણવતા કહ્યું કે “તેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ માટે જરૂરી સુરક્ષા અને ચકાસણીના ધોરણોને પૂર્ણ કરે છે કે નહીં” મુસાફરી પ્રતિબંધને બદલે તે ચકાસશે. નવી તારીખ નક્કી કરવામાં આવી છે કે કેમ તે સ્પષ્ટ કરવા માટે પૂછવામાં આવતા, તેણીએ “ના” કહ્યું, અને ઉમેર્યું, “ફરીથી, કારણ કે કોઈ તારીખ નથી, તેનો અર્થ એ નથી કે તેના પર કામ થઈ રહ્યું નથી. અને તેથી અમે બધા પ્રમુખ ટ્રમ્પે જે આદેશ આપ્યો છે તેનો અમલ કરવા માટે કામ કરી રહ્યા છીએ.” એટલે આ પ્રતિબંધ વહેલા મોડા લાગુ પડી શકે છે.
