અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડ ટાપુ પર અમેરિકાનો કબજો આવે તે માટે અધિરા બન્યા છે અને આ માટે તેઓ જાત જાતના ગતકડા કરી રહ્યા છે. લશ્કરી હુમલાનો વિકલ્પ માંડી વાળ્યા બાદ હવે તેઓ આ ટાપુના દરેક નાગરિકને 1 મિલિયન ડોલર (આશરે 8.4 કરોડ રૂપિયા) આપવા પર વિચાર કરી રહ્યા છે! નાટો સંગઠનના વડા માર્ક રુટ્ટે સાથેની વાતચીત બાદ અમેરિકી રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, તેઓ આ આર્કટિક ટાપુના નિયંત્રણ અંગે ‘ભવિષ્યના સોદાના માળખા’ પર સહમત થયા છે, જે તેમના મતે અમેરિકાની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
તેઓ ગ્રીનલેન્ડના લોકોને ડેનમાર્કથી અલગ થવા માટે પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ, જો ગ્રીનલેન્ડના રહેવાસીઓ (વસ્તી 57,000) અમેરિકામાં જોડાવા માટે મતદાન કરે, તો ટ્રમ્પ દરેકને દસ લાખ ડોલર આપવાની યોજના પર વિચાર કરી રહ્યા છે. જો આ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પ્રદેશના તમામ 57,000 રહેવાસીઓને આટલી મોટી રકમ ચૂકવવામાં આવે, તો તેનો કુલ ખર્ચ આશરે 57 અબજ ડોલર (અંદાજે 4.8 લાખ કરોડ રૂપિયા) થઈ શકે છે. જો કે આ યોજના સાંભળવામાં આશ્ચર્યજનક લાગે છે, પરંતુ આ કિંમત અમેરિકા દર વર્ષે સંરક્ષણ પાછળ ખર્ચતા $800 બિલિયનના એક નાના હિસ્સા સમાન છે. આ પગલું ગ્રીનલેન્ડની ગ્રાન્ટ માટે ડેનમાર્ક પરની નિર્ભરતાને પણ ખતમ કરશે. આ રકમ મેળવવા માટે ટાપુએ લોકમત યોજવા માટે સંમત થવું પડશે અને સંભવિતપણે 60 ટકા લોકોએ અમેરિકામાં જોડાવાની તરફેણમાં મતદાન કરવું પડશે.
જો કે, જેની પાસે ગ્રીનલેન્ડનો કબજો છે તે ડેન્માર્કે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે આ ખનિજ સમૃદ્ધ ટાપુ વેચાણ માટે નથી અને કોઈપણ સોદા માટે ડેનમાર્કની સહમતિ અનિવાર્ય છે. ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલ્સને પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, હવે બહુ થયું. જોડાણ અંગેની આવી કલ્પનાઓ હવે બંધ થવી જોઈએ. જ્યારે અગાઉ નાની રકમની વાત વહેતી થઈ હતી, ત્યારે ગ્રીનલેન્ડના લોકોએ ધ્યાન દોર્યું હતું કે ડેનમાર્ક તરફથી મળતી સહાય લાંબા ગાળે તેમના માટે વધુ મૂલ્યવાન છે પણ હવે જો ટ્રમ્પ દસ લાખ ડોલર જેટલી જંગી રકમ દરેક ડેન્માર્કવાસીને આપવાની જાહેરાત કરે તો ગ્રીનલેન્ડની પ્રજાનો મોટો વર્ગ અમેરિકા સાથે જોડાવા કદાચ તૈયાર થઇ પણ જાય. અને આવા સંજોગોમાં ડેન્માર્ક શું કરે તે જોવાનું રહે. હાલ તો લાગે છે કે ટ્રમ્પ ગ્રીનલેન્ડનો કબજામાં લેવા માટે સોદો કરવા માટે હજી ઘણી વિચારણા કરશે.
અમેરિકાના ઇતિહાસમાં જમીન ખરીદીને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવાની પરંપરા રહી છે. ટ્રમ્પની ગ્રીનલેન્ડ ખરીદવાની ઈચ્છા પાછળ પણ આ ઐતિહાસિક ઉદાહરણો પ્રેરણારૂપ હોઈ શકે છે.અમેરિકાએ ભૂતકાળમાં કરેલા મુખ્ય સોદાઓ નીચે મુજબ છે:૧. અલાસ્કાની ખરીદી (૧૮૬૭) – રશિયા પાસેથી આ પ્રદેશ ખરીદ્યો હતો, જે તેનો સૌથી પ્રખ્યાત સોદો છે. અમેરિકાએ રશિયા પાસેથી અલાસ્કા માત્ર ૭.૨ મિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. તે સમયે રશિયાને પૈસાની જરૂર હતી અને તેમને લાગતું હતું કે બ્રિટન સામે યુદ્ધમાં તેઓ અલાસ્કાનું રક્ષણ નહીં કરી શકે.
શરૂઆતમાં અમેરિકામાં આ સોદાની ટીકા થઈ હતી (તેને ‘સીવાર્ડની મૂર્ખામી’ કહેવાતી), પરંતુ પાછળથી ત્યાંથી વિપુલ પ્રમાણમાં સોનું અને તેલ મળી આવ્યું, જે અમેરિકા માટે લોટરી સાબિત થયું.૨. લુઈસિયાના પરચેઝ (૧૮૦૩) – ફ્રાન્સ પાસેથી અમેરિકાએ નેપોલિયન બોનાપાર્ટ પાસેથી આશરે ૮,૨૭,૦૦૦ ચોરસ માઈલનો વિસ્તાર માત્ર ૧૫ મિલિયન ડોલરમાં ખરીદ્યો હતો. આ સોદાથી રાતોરાત અમેરિકાનું કદ બમણું થઈ ગયું હતું. આજે અમેરિકાના ૧૫ જેટલા રાજ્યો આ જમીન પર આવેલા છે. ૩. વર્જિન આઈલેન્ડ્સ (૧૯૧૭) – ડેનમાર્ક પાસેથી.
તમને જાણીને નવાઈ લાગશે કે ડેનમાર્કે અગાઉ અમેરિકાને ટાપુઓ વેચ્યા છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ ડેનમાર્ક પાસેથી ‘ડેનિશ વેસ્ટ ઇન્ડીઝ’ (હાલના યુ.એસ. વર્જિન આઈલેન્ડ્સ) ૨૫ મિલિયન ડોલરમાં ખરીદ્યા હતા. ગ્રીનલેન્ડ માટે અમેરકાના રસનું મુખ્ય કારણ વ્યૂહાત્મક સ્થાન અને સંસાધનો આર્કટિકમાં પ્રભુત્વ અને ખનિજો છે. વિરોધ કરતા લોકોએ આને મૂર્ખામી ગણાવી હતી અને હાલમાં આ અશક્ય અને અજીબ લાગે છે અમેરિકાએ ભૂતકાળમાં જે રીતે અલાસ્કા ખરીદ્યું હતું, તે જ વ્યૂહરચના ટ્રમ્પ ગ્રીનલેન્ડ માટે અપનાવવા માંગે છે. પરંતુ તફાવત એ છે કે ૧૯મી સદીમાં સામ્રાજ્યો જમીન વેચી શકતા હતા, જ્યારે ૨૧મી સદીમાં લોકશાહી, માનવ અધિકાર અને સ્થાનિક સરકારોની મંજૂરી અનિવાર્ય છે. હવે ટ્રમ્પ અમેરિકા માટે ગ્રીનલેન્ડ ખરીદવાની યોજનામાં કેવી રીતે આગળ વધે છે તે જોવાનું રહે છે.