ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પાછા ફર્યા છે ત્યારથી કેટલીક બાબતો પર મચી પડ્યા છે અને તેમાંની એક સૌથી ચર્ચિત અને વિશ્વના સંખ્યાબંધ દેશોને અસર કરનાર બાબત ટેરિફ છે. અમેરિકા સાથે ઘણા દેશોએ વર્ષો સુધી આયાત જકાતની બાબતમાં છેતરપિંડી કરી છે એવી બૂમરાણ મચાવીને કે પછી અન્ય બહાનાઓ હેઠળ ભારત સહિતના અનેક દેશો પર આકરા ટેરિફ એટલે કે આયાત વેરાઓ લાદી દીધા છે.
ભારત પર વેરાની અસમતુલાના કારણ ઉપરાંત રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલની સજા જેવું કારણ આપીને આકરા ટેરિફ ઝિંક્યા છે. આ ટેરિફને કારણે જે-તે દેશોએ અમેરિકામાં પોતાની નિકાસ થતી વસ્તુઓ પર ઉંચા વેરા ચુકવવા પડે છે. પરિણામે તે દેશોની વસ્તુઓ અમેરિકામાં મોંઘી બને છે અને તે દેશોની વસ્તુઓની અમેરિકામાં માગ પણ ઘટી શકે છે. પરંતુ આ વેરા અમેરિકન પ્રજાને પણ ધારણા મુજબ જ નડવા માંડ્યા છે. હાલમાં બહાર પડેલા એક અહેવાલ મુજબ આયાતી વસ્તુઓ મોંઘી થવાથી કે આયાતી કાચો માલ મોંઘો થવાથી અમેરિકામાં અનેક વસ્તુઓ મોંઘી થઇ ગઇ છે અને તેને પરિણામે અમેરિકી કુટુંબોનો ઘરખર્ચ પણ વધી ગયો છે.
કોંગ્રેસની સંયુક્ત આર્થિક સમિતિના ડેમોક્રેટ્સ દ્વારા ગણતરી મુજબ, આ વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પાછા ફર્યા ત્યારથી આયાત પરના ભારે કરવેરાને કારણે સરેરાશ અમેરિકન પરિવારને લગભગ ૧,૨૦૦ ડોલરનો ખર્ચ વધ્યો છે. ટેરિફમાંથી થતી આવક પર ટ્રેઝરી વિભાગના આંકડા અને ગોલ્ડમેન સૅશના અંદાજનો ઉપયોગ કરીને, ગુરુવારે ડેમોક્રેટ્સનો અહેવાલ ફેબ્રુઆરીથી નવેમ્બર દરમિયાન બિલમાં અમેરિકન ગ્રાહકોનો હિસ્સો લગભગ ૧૫૯ અબજ ડોલર – અથવા પ્રતિ ઘર ૧,૧૯૮ ડોલર – થયો છે. આ અહેવાલ દર્શાવે છે કે ટ્રમ્પના ટેરિફથી પરિવારો માટે કિંમતો વધુ ઉંચી થઈ છે. યેલ યુનિવર્સિટીની બજેટ લેબ અનુસાર, વર્ષની શરૂઆતમાં સરેરાશ અમેરિકી ટેરિફ 2.4 ટકાથી વધીને 16.8 ટકા થયો છે, જે 1935 પછીનો સૌથી વધુ છે.
એ પણ કઠોર વાસ્તવિકતા છે કે આ કર આયાતકારો દ્વારા ચૂકવવામાં આવે છે જેઓ સામાન્ય રીતે તેમનો વેરાનો વધેલો ખર્ચ તેમના ગ્રાહકોને પાસ-ઓન કરે છે જેથી વસ્તુઓ મોંઘી બને છે. આનો રોષ પણ પ્રજામાં દેખાવા માંડ્યો છે. ગયા મહિને વર્જિનિયા, ન્યુ જર્સી અને અન્યત્ર ચૂંટણીઓમાં ડેમોક્રેટ્સે સારો દેખાવ કર્યો હતો કારણ કે મતદારો ટ્રમ્પ અને રિપબ્લિકનને જીવનનિર્વાહના ઊંચા ખર્ચ માટે દોષી ઠેરવે છે. UCLA સ્કૂલ ઓફ લો અને પીટરસન ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સના અર્થશાસ્ત્રી કિમ્બર્લી ક્લોઝિંગે ગયા અઠવાડિયે હાઉસ સબકમિટીને જણાવ્યું હતું કે ટ્રમ્પના ટેરિફ એક પેઢીમાં અમેરિકન ગ્રાહકો પર સૌથી મોટો કર વધારો છે, જે તમામ અમેરિકનોના જીવનધોરણને ઘટાડે છે. બાયડેન વહીવટમાં ટ્રેઝરી વિભાગના કર અધિકારી ક્લોઝિંગે ગણતરી કરી છે કે ટ્રમ્પના આયાત કર સરેરાશ ઘર માટે લગભગ 1,700 ડોલરના વાર્ષિક કર વધારા સમાન છે. અમેરિકા અનેક વસ્તુઓ અને ઘરઆંગણે ઉત્પાદિત થતી અનેક વસ્તુઓ માટેનો કાચો માલ વિદેશોથી આયાત કરે છે તેથી આયાત વેરા વધવાથી ફુગાવા પર અસર થાય તે સ્વાભાવિક છે.