જાપાનમાં કોરોનાના વઘતા કેસો વચ્ચે ટોક્યો ઓલિમ્પિક્સની શરૂઆત થવા જઇ રહી છે. કોરોનાવાયરસને ધ્યાને લઇને ટોક્યો ઓલિમ્પિક્સ માટે કેટલાક નિયમો બનાવાયા છે અને તેમાં ખેલાડીઓ માટે પણ ઘણાં નિયમો બનાવાયા છે અનવે તેના કારણે આ વર્ષનો ઓલિમ્પિક્સ સૌથી અલગ થવા જઇ રહ્યો છે. 23 જુલાઇથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાનારા ઓલિમ્પિક્સ સામે જાપાનમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે, છતાં આઇઓસી અને જાપાનની આયોજન કમિટી ગેમ્સના આયોજન માટે મકક્મ છે. કેટલાક એવા નિયમો બનાવાયા છે કે જે આ પહેલા ઓલિમ્પિક્સમાં કદી જોવા મળ્યા નથી.
ઓપનીંગ સેરેમની અને સમાપન સમારોહમાં મર્યાદિત હાજરી
કોરોનાના જોખમને ધ્યાને લઇને આ વખતે ઓલોમ્પિક્સની શરૂઆત પહેલા યોજાતા ઓપનીંગ સેરેમનીમાં તમને એવું જોવા નહીં મળે જેના માટે ઓલિમ્પિક્સ ઓળખાય છે. રિયો, લંડન અને બૈજિંગ ઓલિમ્પિક્સના ઉદ્દઘાટન સમારોહની ભવ્યતાને આખી દુનિયાએ નિહાળી હતી. આ ત્રણેય ઓલિમ્પિક્સના ઓપનીંગ સેરેમનીમાં પ્રભાવક કોરિયોગ્રાફીએ દુનિયા આખીને રસતરબોળ કરી દીધી હતી. જેમાં હજારો કલાકારોએ ખીચોખીચ સ્ટેડિયમમાં પોતાની કળાનો નમૂનો બતાવ્યો હતો. જો કે આ વખતમાં ઓલિમ્પિક્સમાં એવી ચકાચોંધ જોવા નહી મળે, પહેલા તો પ્રેક્ષકો જ નહીં હોય અને બીજુ ઓલિમ્પિક્સ ઓપનીંગ સેરેમનીમાં ઘણાં ઓછા લોકો ભાગ લેશે. આ સમારોહમા કુલ 11,000થી વધુ સ્પર્ધકોમાંથી માત્ર 6000 લોકો ઓપનીંગ સેરેમનીમાં હાજર રહેશે.
ખેલાડીઓએ મેડલ પોતાની જાતે જ પહેરવો પડશે
ઓલિમ્પિક્સમાં આ વખતે વિજેતા ખેલાડીઓનું પોડિયમ પહેલાથી થોડું વધુ પહોંળુ હશે અને તેના પર વિજેતા ખેલાડીઓ ખરા અર્થમાં સોશિયલ ડિસ્ટન્સીંગમાં જોવા મળશે. વિજેતા ખેલાડીઓએ પોડિયમ પર પણ પોતાનું માસ્ક પહેરેલું રાખવું પડશે અર્થાત ફોટો પાડનારા ફોટોગ્રાફરો પણ તેમને માસ્ક ઉતારવાની વિનંતી નહીં કરી શકે. બીજો એક મહત્વનો ફેરફાર એ જોવા મળશે કે ખેલાડીઓએ જાતે જ પોતાનો મેડલ પહેરવો પડશે અને તે પોતાના એ મેડલને ચુમી પણ નહીં શકે. ગ્રુપ ફોટોગ્રાફીને પણ પ્રતિબંધિત કરવામાં આવી છે.
એથ્લેટ્સ માટે રોજિંદા ટેસ્ટ સહિતના આકરા નિયમો
ઓલિમ્પિક્સમાં ભાગ લેવા માટે ટોક્યો પહોંચી ગયેલા તમામ દેશના એથ્લેટ માટે અહીં આકરા નિયમો બનાવાયા છે. આવા નિયમો અગાઉના કો ઓલિમ્પિક્સમાં જોવા મળ્યા નથી. કોરોનાના જોખમને ધ્યાને લઇને અહીં આવેલા તમામ ખેલાડીઓએ રોજે રોજ કોરોના ટેસ્ટ કરાવવો પડશે અને તેઓ એકબીજા સાથે હાથ પણ મિલાવી નહીં શકે. આ પહેલા પણ ખેલાડીઓના સેમ્પલ લેવાતા હતા પણ તે ડોપ ટેસ્ટ માટે લેવાતા હતા, જ્યારે આ વખતે તેમના સેમ્પલ કોરોનાના ટેસ્ટ માટે લેવાશે. જો કોઇ ખેલાડી કે અધિકારી નિયમ ભંગ કરશે તો તેને વિના વિલંબે ગેમ્સમાંથી બહાર કાઢીને તાત્કાલિક પોતાના દેશ માટે રવાના થઇ જવું પડશે.