Business

ટૅલેન્ટેડ કન્યા અનન્યા

અનન્યા પાંડેને તમે મોસ્ટ બ્યુટીફૂલ અભિનેત્રીઓમાં એક તરીકે ગણી શકો અને અત્યારની સૌથી યુવા અભિનેત્રીઓમાં પણ તે એક છે. આ બધું છતાં 2024માં તે ‘કોલ મી બૅ’ સિવાય કશું ન કરી શકી. ‘બેડ ન્યૂઝ’માં તે જરૂર હતી તેના માટે ‘ગુડ ન્યુઝ’ બની નહોતી. તેની પહેલાં ‘ખો ગયે હમ કહાં’માં તે આવી હતી અને પછી પોતાને જ પૂછતી હતી કે ખો ગયે હમ કહાં? અનન્યાનો પ્રોબ્લેમ એ છે કે તે એવા હીરો સાથે કામ કરે છે જે સ્વયં જગ્યા બનાવવાના પ્રયત્નમાં છે. સફળ સ્ટાર સાથે ફિલ્મો કરતી હોત તો એ સ્ટાર્સની સફળતાનો લાભ તેને પણ થયો હોત. પણ આતો દરેક નવોદિત માટે થતી શરૂઆતની કહાણી છે. અનન્યા એકદમ ગ્રેસફૂલ લુક ધરાવે છે અને તેથી જ કરણ જોહરે તેને સ્ટૂડન્ટ ઓફ ધ યર-2માં લોન્ચ કરી હતી પણ એ ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને તારા સુતારિયા જેવા જ હાલ તેના છે પણ તેના હાલ આ વર્ષે સુધરવાના પૂરા આસાર છે. અનન્યાનો સ્વીકાર થઇ ચુકયો છે એટલે તેને સારી ફિલ્મો મળી રહી છે.
આ વર્ષે તે ‘ધકડ-2’ જેવી ફિલ્મમાં છે. તેમાં તે અને તૃપ્તિ, સૌરભ સચદેવા સાથે આવે છે. અનન્યા સમાધાનથી દૂર રહી છે અને નવા અભિનેતા સાથે જ કામ કરે છે. એટિટ્યૂડ યોગ્ય પણ છે. પણ આવતા માર્ચમાં રજૂ થનારી ‘ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સી. શંકરન નાયર’માં અક્ષયકુમાર, માધવન સાથે કામ કરે છે. એ ફિલ્મમાં તે જૂદી ભૂમિકામાં છે કારણ કે તે જલિયાંવાલા બાગમાં જે બન્યું હતું તેની કહાણી દર્શાવે છે જેમાં નાયર નામના વકીલની રસપ્રદ સ્ટોરી છે. બાકી રન ફોર યંગમાં તે આદર્શ ગૌરવ અને રોહન શાહ સાથે છે. અભિનેતા નવા હોય તો ડરીને રહેવું એવું તે માનતી નથી. નવોદિત અભિનેતા સાથે કામ કરવું તેને ઉત્સાહ આપે છે. ખાલીદ મોહમ્મદના દિગ્દર્શનમાં તે કામ કરે છે તેમાંય અંકુર રાઠી છે અને શનાયા કપૂર છે. અનન્યા ચંકી પાંડેની દિકરી છે. ચંકી કાંઇ સફળ અભિનેતા નહોતો પણ અનન્યા ફિલ્મોમાં આવી પછી ચંકીને કામ મળવા માંડ્યુ છે. અનન્યાને તમે આ બાબતે પણ સફળ ગણી શકો. બાકી તેની પાસે લક્ષ્ય સાથેની ‘ચાંદ મેરા દિલ’ અને વિક્રમાદિત્ય મોટવાને દિગ્દર્શીત ‘દરબાર’ પણ છે અને આ ફિલ્મમાં છૂટાછેડા લીધા મા-પિતાની દિકરી તરીકે તે કામ કરી રહી છે. દરેકની પોતાની સ્ટ્રગલ હોય છે પણ તેમાં દૃઢતાપૂર્વક દિશા નક્કી કરવી અગત્યની છે.
અનન્યામાં દિશા સ્પષ્ટ છે એટલે આ વર્ષે જે કેટલીક નવી અભિનેત્રીઓની ફિલ્મો રજૂ થવાની છે. તેમાં તે કદાચ લીડર તરીકે વર્તાશે. અનન્યા અત્યારે ખૂબ મેચ્યોર રીતે વર્તી રહી છે. ફિલ્મોના કામ સિવાય બીજી રીતે ચર્ચામાં આવવાથી દૂર રહે છે અનન્યા પોતાને અનન્ય પૂરવાર કરે એવી પૂરી શકયતા છે. બસ, હમણાં તે કામમાં ડૂબી રહીને સારા ભવિષ્યનો ઇંતેજાર કરે છે. •

Most Popular

To Top