Sankheda

ટીંબા ગામનું આરોગ્ય મંદિર બે વર્ષથી અધૂરું: ગ્રામજનો આરોગ્ય સુવિધાથી વંચિત, તાત્કાલિક કામ પૂર્ણ કરવાની માંગ

બાંધકામ કામગીરી બંધ થતાં ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને મુશ્કેલી
ભ્રષ્ટાચારની આશંકા વચ્ચે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની સ્થાનિકોની માંગ

પ્રતિનિધિ, સંખેડા |
સંખેડા તાલુકાના ટીંબા ગામે આરોગ્ય સેવાઓ સુલભ બનાવવા માટે શરૂ કરાયેલ આરોગ્ય મંદિરનું બાંધકામ છેલ્લા અંદાજે બે વર્ષથી અધૂરું પડ્યું છે. છેલ્લા કેટલાક સમયથી તો કામગીરી સંપૂર્ણપણે બંધ થઈ જતાં ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

ગામલોકોના જણાવ્યા મુજબ આરોગ્ય મંદિરનું કામ શરૂ થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં સમયસર પૂર્ણ ન થતાં લોકોને જરૂરી આરોગ્ય સેવાઓથી વંચિત રહેવું પડી રહ્યું છે. બાંધકામમાં ભ્રષ્ટાચાર થયાની પણ સ્થાનિક સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે કામ અટકી ગયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલ ગામમાં આરોગ્ય સેવાઓ માટે સબ સેન્ટર જૂની આંગણવાડીમાં ચલાવવામાં આવી રહ્યું છે, જ્યાં પૂરતી સુવિધાઓના અભાવે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને બાળકો માટે સારવાર મેળવવી વધુ કઠિન બની છે.
ગામલોકોએ સરકાર અને આરોગ્ય વિભાગને તાત્કાલિક ધ્યાન આપી આરોગ્ય મંદિરનું બાંધકામ વહેલી તકે પૂર્ણ કરવાની માંગ કરી છે. સ્થાનિક આગેવાન મેહુલ પટેલે જણાવ્યું હતું કે બે વર્ષથી કામ અધૂરું પડ્યું હોવાથી ગામલોકોને પૂરતી આરોગ્ય સુવિધાઓ મળી રહી નથી. કામમાં વિલંબ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની તેમજ સંબંધિત અધિકારીઓએ કડક વલણ અપનાવી કામગીરી ઝડપથી પૂર્ણ કરાવવાની જરૂર છે.
ગ્રામજનો દ્વારા તાત્કાલિક પગલાં ભરવા માંગ ઉઠતા હવે તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું છે.

રિપોર્ટર: સુરેન્દ્રસિંહ ચાવડા

Most Popular

To Top