સલમાન ખાન તેની ફિલ્મો સાથે મ્યુઝિક વીડિયોથી પણ ચર્ચામાં રહે છે. અગાઉ લૉકડાઉનમાં જેકલીન સાથે તે મ્યુઝિક વીડિયો કરી ચૂક્યો છે. પણ દક્ષિણની પ્રજ્ઞા જયસ્વાલ સાથેના એક ગીત ‘મૈં ચલા’ ની વાત અલગ છે. સલમાને પોતાનું કમિટમેન્ટ પૂરું કરવા ગીતનો મ્યુઝિક વીડિયો તૈયાર કરી રજૂ કર્યો છે. આ કોઇ ખાસ આયોજનથી બનાવેલ ગીત નથી. સલમાનની જ ફિલ્મ ‘અંતિમ: ધ ફાઇનલ’ નું છે. આયુષ શર્માને ચમકાવતી ફિલ્મ બનીને તૈયાર થઇ ગઇ ત્યારે નિર્દેશકને લાગ્યું કે સલમાનનું ‘મૈં ચલા તેરી તરફ’ ગીત વાર્તાના વિષયને અનુરૂપ નથી એટલે ફિલ્મમાં રાખવામાં આવ્યું ન હતું. આ કારણે તેલુગુ અભિનેત્રી પ્રજ્ઞા નિરાશ થઇ હતી. સલમાન સાથેના આ ગીતથી જ તે બૉલિવૂડમાં પ્રવેશ કરી રહી હતી. ત્યારે સલમાને વચન આપ્યું હતું કે આ ગીત માટેની તેની મહેનત વ્યર્થ જશે નહીં. સલમાને ગીતને અલગથી રજૂ કરીને પોતાનું વચન પૂરું કર્યું છે. આ ગીતમાં સલમાનની ખાસ મિત્ર ગણાતી યુલિયા વંતૂરે ગાયક ગુરુ રંધાવા સાથે સ્વર આપ્યો છે. યુલિયાએ આ ગીતનો પ્રચાર સલમાનના ‘બિગ બોસ 15’ ના સેટ ઉપર કર્યો હતો અને કહ્યું હતું કે સલમાન સાથે કામ કરવું એ ગૌરવની વાત છે. સલમાન આ ગીતમાં લાંબા વાળ સાથે અલગ લુકમાં જ જોવા મળી રહ્યો છે. સલમાન આમિરની ‘લાલસિંહ ચઢ્ઢા’ ને શાહરૂખની ‘પઠાન’ જેવી ફિલ્મોમાં પણ અલગ- અલગ લુક સાથે જોવા મળવાનો છે ત્યારે તેની સ્ટાર બનવાની યાત્રા પર એક ડોક્યુમેન્ટ્રી ‘બિયોન્ડ ધ સ્ટાર’ બની રહી હોવાથી હવે તેના જીવન વિશે વધારે જાણવા મળશે. જેનું નિર્માણ કરવાનો વિચાર તેની મિત્ર યુલિયા વંતૂરે આપ્યો હતો. સલમાનની અભિનય યાત્રામાં અનેક હીરોઇનો સ્ટાર બની ચૂકી છે. એમાં કેટરિના કૈફ-કૌશલનું નામ સૌથી આગળ રહેવાનું છે. સલમાન–કેટરિનાએ એકસાથે ઘણી સફળ ફિલ્મો કરી છે પરંતુ વિકી કૌશલ સાથેના લગ્ન પછી તેની સલમાન સાથેની ‘ટાઇગર ૩’ છેલ્લી ફિલ્મ બની રહેવાની શક્યતા છે કેમ કે કેટરિના હવે વિકી સાથે વધુ ફિલ્મ કરવાની છે.
આમિર ખાનને દક્ષિણની ફિલ્મનો ડર નથી?
આમિર ખાન કોઇ પણ ફિલ્મ સાથે ટક્કર ઝીલવા તૈયાર છે. આમિરે પોતાની નવી ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ ની રજૂઆતની 14 એપ્રિલની તારીખને બદલવાનો ઇન્કાર કરી દીધો છે. એ દિવસે યશ અને સંજય દત્તની ‘KGF: ચેપ્ટર 2’ ઉપરાંત એપ્રિલ માસમાં દક્ષિણની ‘RRR’ ની રજૂઆત થવાની શક્યતા હોવા છતાં આમિરને પોતાની ફિલ્મ પર વિશ્વાસ છે. ‘RRR’ ની બે તારીખો 18 માર્ચ અને 28 એપ્રિલ નક્કી થઇ છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફિલ્મને યોગ્ય તારીખે રજૂ કરવામાં આવશે. નિર્દેશક એસ.એસ. રાજામૌલીએ ‘બાહુબલી 2’ ને 28 મી એપ્રિલે રજૂ કરી હોવાથી રામચરણ-જુનિયર એનટીઆરની ‘RRR’ પણ એ તારીખે રજૂ થઇ શકે છે. તેથી આમિરની ફિલ્મને બે સપ્તાહનો સમય મળી શકે છે. એવી વાત ઉડી રહી હતી કે ‘KGF: ચેપ્ટર 2’ ને કારણે આમિર પોતાની ફિલ્મની રજૂઆતની તારીખ બદલવાનો છે. પરંતુ આમિરે એવી અફવાઓ પર ધ્યાન ન આપવા કહ્યું છે. અગાઉ ક્રિસમસ પછી વેલેન્ટાઇન ડે પર રજૂ કરવાની જાહેરાત થઇ હતી. કોરોનાને કારણે બંને વખત રજૂઆત બંધ રહી હતી. આ વખતે વૈશાખીના દિવસે કોઇ પણ સંજોગોમાં રજૂ કરવાનો નિર્ધાર જાહેર કર્યો છે. પ્રશાંત નીલ નિર્દેશિત ‘KGF: ચેપ્ટર 2’ ને કારણે આમિરની ફિલ્મને નુકસાન થઇ શકે એમ છે કેમ કે એ ફિલ્મનો પહેલો ભાગ સફળ રહ્યો હતો. યશને આ ફિલ્મ માટે રૂ. 25 કરોડ આપવામાં આવ્યા છે. તેની સામે ‘અધીરા’ ના પાત્ર માટે સંજય દત્તને રૂ.10 કરોડ ચૂકવવામાં આવ્યા છે. દર્શકો આતુરતાથી ‘KGF’ ના બીજા ભાગની રાહ જોઇ રહ્યા છે. તેમ છતાં આમિરને દક્ષિણની આ ફિલ્મનો ડર નથી. આમિર બે-ત્રણ વર્ષમાં એકાદ ફિલ્મ જ કરતો હોવાથી દર્શકો તેની રાહ જોતા હોય છે. આમિર વળી જાતે જ ફિલ્મનું નિર્માણ કરતો હોવાથી વધુ સમય લાગે છે. તેનું પરિણામ સારું આવતું રહ્યું હોવાથી તેણે આ પધ્ધતિથી જ કામ કરવાનો આગ્રહ રાખ્યો છે. અદ્વૈત ચંદન નિર્દેશિત ‘લાલસિંહ ચઢ્ઢા’ અમેરિકન ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ ની રીમેક છે. જેનું શૂટિંગ દેશના એકસોથી વધુ સ્થળ પર કરવામાં આવ્યું છે અને તેમાં ભારતની કેટલીક જાણીતી ઘટનાઓ બતાવવામાં આવી છે. આમિર ફિલ્મમાં એક શીખ યુવાનની ભૂમિકામાં દેખાવાનો છે. ‘લાલસિંહ ચઢ્ઢા’ નું આકર્ષણ કરીના કપૂર-ખાન પણ બની રહેશે. તે ત્રીજી વખત આમિર ખાન સાથે દેખાવાની છે.