મિસ રેખા પટેલ, ગયા વર્ષે તમે આ જ મલ્ટી એન્ટ્રી B-1 /B-2 વિઝા ઉપર અમેરિકા ગયાં હતાં. ત્યાં પાંચ મહિના ને પચીસ દિવસ રહ્યા હતા.’’ બારડોલીનાં રેખાબહેન પટેલને અમેરિકાના ઈમિગ્રેશન ઓફિસરે સવાલ કર્યો.
‘‘હા સાહેબ, પણ ન્યૂજર્સીના એરપોર્ટ ઉપરના ઈમિગ્રેશન ઓફિસરે અમેરિકામાં રહેવા માટે છ મહિનાની પરવાનગી આપી હતી અને હું તો એ સમય પહેલાં જ ભારત પાછી આવી ગઈ હતી. અમેરિકામાં એક દિવસ પણ ગેરકાયદેસર રહી નથી’’ રેખાબહેને જવાબ આપ્યો.
‘‘હા, હા, તમારી વાત સાચી છે પણ બહેન, તમે વિઝા મેળવવા માટે જ્યારે અરજી કરી હતી ત્યારે એમાં તમે અમેરિકામાં કેટલા દિવસ રહેવા માગો છો એ સવાલના જવાબમાં શું જણાવ્યું હતું?’’
હવે રેખાબહેન થોડા મુંઝાયાં. એમણે કહ્યું, ‘‘વિઝાના અરજીપત્રકમાં અમેરિકામાં ત્રણ અઠવાડિયાં રહેવું છે એવું લખ્યું હતું પણ સાહેબ, તમારા ઈમિગ્રેશન ઓફિસરે જ મને ત્યાં રહેવા માટે છ મહિનાનો સમય આપ્યો હતો.’’
‘‘તમારી વાત બિલકુલ સાચી છે પણ તમે ત્રણ અઠવાડિયાં રહેવું છે એવું જણાવીને વિઝા મેળવ્યા હતા તો પછી પાંચ મહિના ને થોડા દિવસો ત્યાં શા માટે રહ્યાં? તમારો અમેરિકામાં રહેવાનો ઈરાદો ખૂબ વધારે હતો પણ જો તમે એવું જણાવો કે તમારે અમેરિકામાં પાંચ છ મહિના રહેવું છે તો કદાચ તમને વિઝા આપવામાં ન આવે, આવું વિચારીને તમે વિઝાના અરજીપત્રકમાં ત્રણ અઠવાડિયાં રહેવું છે એવું જણાવ્યું હતું. તમે જુઠ્ઠું જણાવ્યું હતું. છેતરપિંડી કરીને વિઝા મેળવ્યા છે. આથી હું તમારા વિઝા કેન્સલ કરું છું. તમે અમેરિકા જઈ નહીં શકો, વળતા પ્લેનમાં પાછા ઈન્ડિયા ચાલી જાઓ.’’ અનેક ભારતીયો જ્યારે B-1 /B-2 વિઝાની અરજી કરે છે ત્યારે અમેરિકામાં ફકત બે કે ત્રણ અઠવાડિયાં જ રહેવું છે એવું જણાવે છે. એમના એજન્ટો એવું કહેતા હોય છે કે જો તમે લાંબો સમય રહેવું છે એવું જણાવશો તો તમને વિઝા આપવામાં નહીં આવે. જુઠ્ઠું બોલીને, છેતરપિંડી આચરીને તેઓ વિઝા મેળવે છે. બોર્ડર ઉપરના ઈમિગ્રેશન ઓફિસરો આથી એમના વિઝા કેન્સલ કરી શકે છે. આવી સત્તા એમને અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓ દ્વારા આપવામાં આવી છે. પ્રેસિડન્ટ ટ્રમ્પ હવેથી એ કાયદાનો ચુસ્તપણે અમલ કરાવશે.
‘‘મિ. રોહન શાહ, તમારી અમેરિકાની કોલેજમાં ભણવાની ટ્યુશન ફી કેટલી છે? રહેવા, ખાવાનો કેટલો ખર્ચો આવે છે?’’ થોડા દિવસ માટે યુનિવર્સિટીમાં રજા હતી એટલે અમદાવાદનો રોહન જે અમેરિકામાં F-1 સ્ટુડન્ટ વિઝા ઉપર ભણતો હતો એ એના માતાપિતાને મળવા અમદાવાદ આવ્યો હતો અને હવે ફરી પાછો ભણતર પૂરું કરવા અમેરિકા જઈ રહ્યો હતો. એરપોર્ટ ઉપર ઈમિગ્રેશન ઓફિસરે એમને સવાલ કર્યો. ‘‘મારી વાર્ષિક ફી અને બધો જ ખર્ચો લગભગ 35,૦૦૦ ડોલર જેટલો છે.’’ ‘‘એ કોણે આપ્યો છે?’’ ‘‘મારા ફાધરે. તેઓ અમદાવાદમાં બહુ મોટો બિઝનેસ કરે છે.’’ ‘‘એમ? તો એમણે આ જે પૈસા મોકલ્યા છે એના બેન્ક સ્ટેટમેન્ટ દેખાડો.’’ રોહને એની પોતાની અમેરિકાના બેન્કના ખાતાની પાસબુક દેખાડી. ‘‘મિ. રોહન, આમાં તો બધા પૈસા કેશમાં જમા કરાવવામાં આવ્યા છે. ઈન્ડિયાથી ટ્રાન્સફર કરવામાં નથી આવ્યા. આટલા બધા પૈસા અમેરિકામાં કેશમાં કયાંથી લાવ્યા?’’
રોહન હવે મુંઝાયો. ગભરાયો પણ ખરો. એ બધા પૈસા એના ફાધરના અમેરિકાના બિઝનેસ એસોસિયેટે એને રોકડામાં આપ્યા હતા. યુનિવર્સિટીમાં આપવા માટે એ પૈસા એણે પોતાના ખાતામાં જમા કરાવ્યા હતા. લાંબા સમય સુધી ઓફિસરના સવાલનો રોહને જવાબ ન આપ્યો. આખરે ઓફિસરે કહ્યું, ‘‘મિ. રોહન, કાં તો તમે અમેરિકામાં ઈલીગલી કામ કરીને આ પૈસા મેળવ્યા છે અથવા તમારા ફાધરે હવાલા દ્વારા આ પૈસા તમને પહોંચાડ્યા છે. એ મનીલોન્ડરીંગ ભયંકર મોટો ગુનો છે. આવો ગુનો કરવા બદલ હું તમને પોલીસમાં નથી સોંપતો પણ હું તમારા F-1 વિઝા રદ કરું છું.’’ ‘‘મિ. કાંતિલાલ, અત્યાર સુધી તમે B-1 /B-2 વિઝાની ચાર વાર અરજી કરી છે. F-૧ વિઝા માટે પણ એક વાર પ્રયત્ન કર્યો હતો. આંતર કંપની ટ્રાન્સફરી L-૧ વિઝાની પણ પિટિશન દાખલ કરીને માગણી કરી હતી. આ બધામાં તમે નિષ્ફળ ગયા એટલે તમે અમેરિકન સિટિઝન જોડે લગ્ન કરીને અમેરિકામાં પ્રવેશવા અને અમારા દેશનું ગ્રીનકાર્ડ મેળવવાની અરજી કરી છે. તમે જે અમેરિકન સિટિઝન સ્ત્રી જોડે લગ્ન કર્યા છે એ તમારા કરતાં પાંચ વર્ષ મોટી છે, ચાર બાળકોની મધર છે. તમારી સાથેના એમને ચોથી વારના લગ્ન છે? સાચી વાત ને?’’
મહેસાણાના મિ. કાંતિલાલના લાભ માટે અમેરિકન સિટિઝન સ્ત્રીએ ઈમિજેટ રીલેટીવ કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કર્યું હતું એ પ્રોસેસ થઈને અપ્રુવ્ડ થઈ ગયું હતું અને કાંતિલાલ મુંબઈ કોન્સ્યુલેટમાં ઈમિગ્રન્ટ વિઝા મેળવવા ઈન્ટરવ્યૂ આપવા ગયા હતા ત્યારે એમને આ સવાલ કરવામાં આવ્યો. હા, કહેવા સિવાય એમની પાસે બીજો કોઈ ઉત્તર નહોતો. કોન્સ્યુલર ઓફિસરે ત્યાર બાદ એમની ખૂબ ઊલટતપાસ લીધી અને એ નિર્ણય પર આવ્યા કે કાંતિલાલે આ લગ્ન અમેરિકામાં પ્રવેશવા માટે જ કર્યા છે. એ સ્ત્રી, જેની જોડે એમણે લગ્ન કર્યા છે એણે સારા એવા દાગીના, કપડાં, ઈન્ડિયા આવવાજવાનો અને રહેવાનો ખર્ચો તેમ જ ખૂબ મોટી રકમ લઈને લગ્ન કર્યા હતા. કોન્સ્યુલર ઓફિસરે કાંતિલાલના લાભ માટે એમની એ અમેરિકન સિટિઝન સ્ત્રીએ જે ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કર્યું હતું અને અપ્રુવ્ડ થયું હતું એની હેઠળ કાંતિલાલને ઈમિગ્રન્ટ વિઝા ન આપ્યા અને એ પિટિશન કેન્સલ કરવું જોઈએ એવું જણાવીને અમેરિકા પાછું મોકલી આપ્યું.
અમેરિકામાં પ્રવેશવા માટે, વિઝા મેળવવા માટે, ગ્રીનકાર્ડ મેળવવા માટે અનેકો ખોટું કરે છે. અત્યાર સુધી આ બધી બાબતો ઉપર ખૂબ જ કડક હાથે કામ લેવામાં નહોતું આવતું. હવેથી આવું ખોટું આચરનારાઓ ઉપર અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પનો ખોફ ઊતરશે અને એમને અમેરિકામાં પ્રવેશવા દેવામાં નહીં આવે. જો તમારે પ્રેસિડન્ટ ટ્રમ્પનો ખોફ વહોરી લેવો ન હોય તો વિઝાની બાબતમાં બિલકુલ ખોટું કરતા નહીં.

