Vadodara

ઝોન-3માં કરોડોના દારૂ પર બુલડોઝર: ₹1.34 કરોડનો જથ્થો ચીખોદરા ખાતે નષ્ટ

પ્રતિનિધિ, વડોદરા તા. 27
વડોદરા શહેર પોલીસના ઝોન-3 વિસ્તારમાં અલગ-અલગ દરોડાઓ દરમિયાન ઝડપાયેલા રૂ. 1.34 કરોડના વિદેશી દારૂના જથ્થાનો કોર્ટની મંજૂરી બાદ ચીખોદરા ખાતે વિધિવત નાશ કરવામાં આવ્યો હતો. નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તા સહિત વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં દારૂની બોટલો અને ટીન પર બુલડોઝર ફેરવી કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ઝોન-3 હેઠળ આવતાં કપુરાઈ, પાણીગેટ, વાડી, મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સ્થાનિક પોલીસ તેમજ એલસીબી ટીમે સંયુક્ત રીતે રેડ કરીને ગેરકાયદે દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરી હતી. વિવિધ ઓપરેશનો દરમિયાન પ્રોહિબિશનના કુલ 69 ગુનાઓ નોંધાયા હતા અને રૂ. 1.34 કરોડનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.
ઝપ્ત કરાયેલ દારૂનો સમયાંતરે કાયદેસર નાશ કરવામાં આવતો હોય છે. તે અનુસંધાને કોર્ટમાંથી જરૂરી મંજૂરી મેળવ્યા બાદ ચીખોદરા ગામે સ્મશાન પાસે ધનિયાવી રોડ પર નાશની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ કામગીરી દરમિયાન કમિટીના અધ્યક્ષ તથા નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તા, નાયબ કલેક્ટર વી.કે. સાંભડ, મદદનીશ પોલીસ કમિશનર જી.ડી. પલસાણા અને પ્રણવ કટારિયા, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ સંબંધિત પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર રહ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર ગેરકાયદે દારૂના ધંધા સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને આવનારા સમયમાં પણ આવાં જ સખત પગલાં લેવામાં આવશે.

Most Popular

To Top