Zalod

ઝાલોદ શિક્ષક ક્રેડિટ સોસાયટી સાથે જોડાયેલા આશિષ સેવા મંડળમાં નાણાકીય ગેરવહીવટના આક્ષેપ

ગુજરાત મિત્ર ન્યુઝ ઝાલોદ

ઝાલોદ તાલુકા પ્રાથમિક શિક્ષક કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી સાથે સંકળાયેલા આશિષ સેવા મંડળ ઝાલોદમાં ગંભીર નાણાકીય ગેરવહીવટના આક્ષેપો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ આશિષ સેવા મંડળના પ્રમુખ, મંત્રી તથા કેટલાક સભ્યો દ્વારા અંદાજે રૂ. ૮૮ લાખ (અઠ્યાસી લાખ રૂપિયા) ઝાલોદ શિક્ષક સોસાયટીમાંથી ઉપાડી નવી રચાયેલી નિવૃત કર્મચારી મંડળ, લીમડીમાં જમા કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અત્યાર સુધી આશિષ સેવા મંડળ દ્વારા કોઈપણ શિક્ષકનું આકસ્મિક અથવા કુદરતી અવસાન થાય ત્યારે તેમના વારસદારોને સહાયરૂપે ચેક આપવામાં આવતો હતો. પરંતુ હાલ આ પ્રકારના ચેક આપવામાં આવતા ન હોવાની ચર્ચા છે, જેના કારણે સભાસદોમાં ભારે નારાજગી ફેલાઈ છે.

મહત્વની બાબત એ છે કે આ સમગ્ર નાણાકીય વ્યવહાર અંગે આશિષ સેવા મંડળની કારોબારી બેઠક બોલાવવામાં આવી નથી કે કોઈ કારોબારી સભ્યોને જાણ કરવામાં આવી નથી. આશિષ સેવા મંડળમાં ઝાલોદ, લીમડી અને સંજેલી વિભાગના અનેક સભાસદો જોડાયેલા છે, જેમની મંજૂરી કે વિશ્વાસમાં લીધા વિના નાણાકીય વ્યવહાર કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે.

સભાસદોનું કહેવું છે કે આવા કોઈપણ નીતિગત અથવા નાણાકીય નિર્ણય પહેલાં કારોબારી બેઠક બોલાવી અને સાધારણ સભાની મંજૂરી લેવી જરૂરી છે. જો આ નાણાકીય વ્યવહાર તાત્કાલિક રીતે સ્થગિત નહીં કરવામાં આવે તો સંબંધિત જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે, તેવી પણ ચીમકી આપવામાં આવી છે.

આ સમગ્ર મામલે ઝાલોદ તાલુકાના શિક્ષક વર્ગમાં ભારે ચર્ચા અને ચિંતા વ્યાપી છે.

રિપોર્ટર: દક્ષેશ ચૌહાણ

Most Popular

To Top