દાહોદ:ઝાલોદ નગરના નગરપાલિકાના કાન્સીલર હિરેન પટેલના હત્યાકાંડમાં અત્યાર સુધી કુલ આઠ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે આ હત્યાકાંડમાં ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમીત કટારા અને કુખ્યાત ઈમરાન ગુડાલા ઉર્ફે ઈમુ ડાંડના તારીખ ૫મી જાન્યુઆરીના રોજ રિમાન્ડ પુરા થતાં તેઓને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતાં. આ સાથે જ આ હત્યાકાંડમાં હજુ પણ મુખ્ય ચહેરાઓ સંડોવાયેલ હોવાનું ભારે ચર્ચાઓ થવા માંડી છે અને દાહોદને અડીને આવેલ સરહદોમાં આ બીજા આરોપીઓ આસરો લઈ રહ્ના હોવાની બિન સત્તાવારી રીતે માહીતી મળી રહી છે.
બહુચર્ચિત એવો દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકાના કાઉન્સીલ હિરેન પટેલના હત્યાકાંડમાં એકપછી એક આરોપીઓને પોલીસ તેમજ ગુજરાત એટીએસની ટીમે ઝડપી પાડ્યા બાદ આ કેસમાં નવો બળાંક આવ્યો હતો અને આ હત્યાકાંડમાં હરિયાણાથી ઝાલોદના ઈમરાન ગુડાલા ઉર્ફે ઈમુ ડાંડને ગુજરાત એટીએસની ટીમે ઝડપી પાડ્યો હતો. ઈમરાન ગુડાલાને ઝડપી પાડતાં વેંત આ હત્યાંકાડમાં ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમીત કટારાનું નામ પણ ઉછળતાં એક્શનમાં આવેલ દાહોદ એલ.સી.બી.પોલીસ તેમજ જિલ્લા પોલીસની સંયુક્ત ટીમે આ અમીત કટારાને તેના આશ્રય સ્થાનેથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો અને આ બંન્ને કોર્ટમાં રજુ કરતાં ઝાલોદ કોર્ટે આ બંન્નેના રિમાન્ડ મંજુર કર્યા હતા ત્યારે આ બંન્નેના રિમાન્ડ તારીખ પાંચ જાન્યુઆરીના રોજ પુરા થયાં હતાં. આ બાદ તેઓને પુનઃ કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરવામાં આવ્યા હતા કે નથી? તેની હજુ કોઈ સત્તાવાર માહિતી મળી ન હતી પરંતુ જાણવા મળ્યા મુજબ આ બંન્નેને ગોધરાની જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવામાં છે. જાણવા મળ્યા પ્રમાણે આ હત્યાકાંડમાં હજુ પણ બે ચહેરાઓ સામેલ છે અને તે દાહોદની સરહદી વિસ્તારમાં આશરો લઈ રહ્ના હોવાની પણ ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે આ આરોપીઓને પણ પોલીસ દ્વારા વહેલામાં વહેલી તકે ઝડપી પાડવામાં આવે તેવી અંદરખાને માંગણીઓ પણ વહેતી થવા માંડી છે. આ હત્યાકાંડમાં વાપરવામાં આવેલ ડાલા પીકઅપ ગાડી હાલ પણ પોલીસની પકડથી દુર રહી છે જો આ ડાલા પીકઅપ ગાડી કબજે કરી દેવામાં આવે તો આ હત્યાકાંડ પાછળનો સાચો ભેદ ઉકેલી જવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે.