દાહોદ:
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં એક કરિયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે ફાટી નીકળેલી આગમાં દુકાનનો સંપુર્ણ માલસામાન બળીને ખાક થઈ જતાં દુકાનદારને આગમાં લાખ્ખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.
ગતરોજ ઝાલોદ નગરમાં બેન્ક ઓફ બરોડાની પાસે આવેલી એક કરિયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી. આગને પગલે ઘટના સ્થળે લોટકોળા ઉમટી પડ્યાં હતાં. આગ લાગતા આજુબાજુના લોકો દોડી આવી દુકાનની શટર ખોલી નાંખી હતી. આ દુકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન માલિકનું કરિયાણાનું ગોડાઉન પણ આવેલું હતું. આગ અંગેની જાણ દુકાનદારને કરવામાં આવતાં દુકાનદાર પણ ઘટના સ્થળે દોડી ગયાં હતાં. આગ અંગેની જાણ સ્થાનીક ફાયર ફાઈટરના લાશ્કરોને કરવામાં આવતાં ફાયર ફાઈટરના લાશ્કરો પાણીના બંબા સાથે ઘટના સ્થળે દોડી ગયાં હતાં. જ્યાં ફાયર ફાઈટરના લાશ્કરોના પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. દુકાનમાં લાગેલ આગમાં કરિયાણાનો સંપુર્ણ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગમાં દુકાનદારને લાખ્ખોનું નુકસાન થયું હોવાનું પણ કહેવાય છે. સદ્નસીબે આ આગમાં કોઈને કોઈ પ્રકારની જાનહાની ન થતાં સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.
——————————————