Vadodara

ઝાયડસ હોસ્પિટલના બેઝમેન્ટ સહિત આસપાસ ત્રણ ફૂટ વરસાદી પાણી ભરાયા…

અક્ષરચોક, અટલાદરા ઝાયડસ હોસ્પિટલ, અક્ષર રેસિડેન્સી માં ગતરોજ સાંજે સાડા ચાર કલાકે અચાનક ધસમસતા વિશ્વામિત્રી નદીના પાણી આવી જતાં ચાર પગથિયાં પાણીમાં ગરકાવ, અહીં પ્રશાસન દ્વારા કોઇપણ પ્રકારનું એલર્ટ કે સાયરન સાથે ચેતવણી ન આપતા લોકો અટવાયા

કેટલાક વિસ્તારોમાં પાલિકા તંત્ર દ્વારા કોઇ સૂચના પણ ન અપાતા લોકો જીવનજરુરિયાતની વસ્તુઓ પણ ન ખરીદી શક્યા

મંગળવારે બપોરે મેઘરાજાએ વિરામ લીધો હતો પરંતુ સોમવારે શહેરમાં સાડા અગિયાર ઇંચ વરસાદ તથા ઉપરવાસમાંથી ભારે વરસાદને પગલે આજવા સરોવર, પ્રતાપ સરોવર તથા દેવડેમનુ પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવી જતા 37ફૂટ પાણીથી શહેરમાં અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા ત્યારે મંગળવારે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર, મેયર સ્થાઇ ચેરમેન તથા ધારાસભ્યો દ્વારા બેઠક યોજી વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટે અને વડોદરામાં ખાનાખરાબી ઓછી થાય તે માટે મંગળવારે રાત્રે આજવા સરોવર, પ્રતાપ સરોવર તથા દેવડેમના દરવાજા નીચા કરી વિશ્વામિત્રી નદીમાં છોડાતુ પાણી બંધ કરાયું હતું પરંતુ તંત્રનો આ દાવ નિષ્ફળ જણાયો છે કારણ કે બુધવારે સવારે એક તરફ વરસાદ શરૂ થયો હતો અને બીજી તરફ વિશ્વામિત્રી નદીની જળસપાટી માત્ર અડધો ફૂટ ઘટી હતી પરંતુ સવારે 36.5 ફૂટે વિશ્વામિત્રી હતી આમ વિશ્વામિત્રી નદીના પાણી અવિરત શહેરમાં પ્રવેશવાનુ ચાલુ રહ્યું છે. ઘણા વિસ્તારોમાં લોકોના મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે.
શહેરના અક્ષરચોક વિસ્તારમાં વડોદરા તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની ચેતવણી કે સાયરન ન વગાડતા તથા સૂચના ન આપતા મંગળવારે સાંજે સાડા ચાર કલાકે અચાનક મુજમહુડા નજીક થી પસાર થતી વિશ્વામિત્રી નદીના પાણી આવી જતાં મુજમહુડા, અક્ષરચોક, વિસ્તારમાં આવેલી દુકાનો મકાનોમાં ધસમસતા વરસાદી પાણી ઘૂસી જતાં લોકોને નુકશાન થયું છે બીજી તરફ લોકો પણ આ વિસ્તારમાં ખતરાથી નિશ્ચિંત હોય જરૂરી જીવનજરુરિયાતની ચીજવસ્તુઓ પણ લાવી શક્યા ન હતા કે પોતાના વાહનો સુરક્ષિત મૂકી શક્યા ન હતા અને અચાનક વિશ્વામિત્રી નદીના ધસમસતા પાણી ત્રણ થી ચાર ફૂટ ભરાઇ જતાં લોકોના વાહનોમાં પાણી ભરાયા હતા અહીં ઝાયડસ જેવી મોટી હોસ્પિટલ ના બેઝમેન્ટ સહિત આસપાસ વિશ્વામિત્રી નદીના પાણી ભરાતા લોકોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. અક્ષરચોક સ્થિત અક્ષર રેસિડેન્સીમા આખી રાત લોકોએ વીજળી ગુલ થતાં અંધકારમાં વિતાવવાનો વારો આવ્યો હતો જેમાં ખાસ કરીને નાના નાના બાળકો, સિનિયર સિટીઝન્સ, બિમાર લોકોને ભારે હાલાકી ઉઠાવવાનો વારો આવ્યો હતો. અહીં કોઈ પ્રશાસન તથા સંસ્થા કે મ્યુનિ. કાઉન્સિલરો ફરક્યા ન હતા અને ના તો કોઇ પ્રશાસન દ્વારા અગમચેતીના ભાગરૂપે સૂચના આપી હતી જેથી નાગરિકોમાં તંત્રની કામગીરી પ્રત્યે આક્રોશ જોવા મળ્યો હતો. લોકોના વાહનોમાં પાણી ભરાતા નુકશાન વેઠવાનો વારો આવ્યો છે બીજી તરફ પીવાનું પાણી અહીં આર.ઓ.થકી આવતું હોય વીજળી ગુલ રહેતા પીવાના પાણી, દૂધ, શાકભાજી સહિતની ચીજવસ્તુઓ ના અભાવે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે.અહીં બાજુમાં ઝાયડસ હોસ્પિટલમાં દર્દીઓના સગાઓ અટવાયા હતા અને તેઓના વાહનોમાં પાણી ફરી વળ્યા હતા.
શહેરના કલાલી તથા વડસર વિસ્તારમાં સૌથી વધુ હાલત કફોડી બની છે અહીં એસડી આર એફ, ફાયરબ્રિગેડની ટીમોને ઉતારવી પડી હતી.

Most Popular

To Top