પાણીગેટ વિસ્તારમાં ચિક્કાર દારૂનો નશો કરેલી હાલતમાં ચાલકે કાર ચલાવી મહિલાને અડફેટે લીધા બાદ થાંભલા સાથે ભટકાવી દીધી,
ટોળું ભેગું થઈ જતા ચાલકને મેથીપાક ચખાડ્યો, નશામાં ધૂત ચાલક સહિત બેને ઝડપી પાડ્યામેં

વડોદરા તા.5
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં રક્ષિત કાંડ જેવી ઘટના સર્જાતા રહી ગઈ હતી. નશો કરેલી હાલતમાં ઓવર સ્પીડમાં કાર ચલાવતા ઈસમે એક મહિલાને અડફેટે લીધા બાદ કાર વીજ થાંભલા સાથે અથાડી દીધી હતી. જેમાં મહિલાનો સામાન્ય ઇજાઓ સાથે આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. કારમાં ચાલક સહિત અન્ય એક શખ્સ નશો કરેલી હાલતમાં બેઠેલા હોય ચાલકને લોકોએ મેથીપાક પણ ચખાડ્યો હતો. પાણીગેટ પોલીસની ટીમ દોડી આવી હતી અને બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં હોળીના રાત્રે રક્ષિત ચોરસિયાએ ગાંજાનો નશો કરીને ફૂલ ઝડપે કાલ દોડાવી ત્રણ મોપેડ પર સવાર 8 લોકોને હવામાં ફંગોળ્યા હતા . જેમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. ત્યારે આ ચકચારી બનાવ બાદ પણ વડોદરા શહેર પોલીસ નું તંત્ર હજુ પણ ઓવર સ્પીડમાં તેમજ નશો કરેલી હાલતમાં વાહન ચલાવનાર લોકો પર અંકુશ મેળવવામાં સદંતર નિષ્ફળ નિવૃત્તિ હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

નશો કરેલી હાલતમાં વાહન ચલાવનાર શખ્સોને પોલીસનો સહેજ પણ ડર રહ્યો ન હોય તેમ બિન્દાસ રીતે તેઓ પોતાના વાહનો પૂર ઝડપે દોડાવી રહ્યા છે. અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે ચાલકે નશો કરેલી હાલતમાં ઓવર સ્પીડમાં કાર ચલાવતા પાણીગેટ વિસ્તારમાં અકસ્માત થયો હતો. 4 જુલાઈના રોજ મોડી રાત્રિના સમયે મોહરમના તહેવારને લઈને પાણીગેટ વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ભેગા થયા હતા. ત્યારે આ દારૂનો નશો કરેલી હાલતમાં ચાલકે પૂરઝડપે પોતાની કાર દોડાવી હતી. જેમા એક મહિલાને અડફેટે લીધા બાદ કાર વીજ થાંભલા સાથે અથાડી દીધી હતી.એક મહિલાનો સામાન્ય ઇજાઓ સાથે આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે લોકોનું મોટું ટોળું ભેગું થઈ ગયું હતું અને નશો કરેલી હાલતમાં જણાયેલા કાર ચાલકને કેટલાક લોકોએ મેથીપાક પણ ચખાડ્યો હતો. લોકોએ ચાલકની પૂછપરછ કરતા કાર તેની બાજુમાં બેઠેલા તેના મિત્રની હોવાનું જણાવ્યું હતું.
અકસ્માતની ઘટના બાબતે પાણીગેટ પોલીસને જાણ થતા કાફલો તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો અને ચાલક સહિતના શખ્સને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.