સંખેડા તાલુકાના વડીયા ગામના મુકેશભાઈ લલ્લુભાઈ વસાવાની લાશ હાફેશ્વર નર્મદા નદીમાંથી મળી
પ્રતિનિધિ સંખેડા
છોટાઉદેપુરના જોજ આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા જમાદાર મુકેશભાઈ લલ્લુભાઈ વસાવાનો મૃતદેહ કવાટના હાફેશ્વર નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો.

છોટાઉદેપુર જોજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જમાદારનો મૃતદેહ નર્મદા નદી માંથી મળી આવ્યો હતો.
આ પહેલા છોટાઉદેપુર હોસ્પિટલમાંથી જમાદાર ગુમ થયા હતા. જોજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાતા જમાદાર મુકેશભાઈ લલ્લુભાઈ વસાવા અચાનક હોસ્પિટલમાંથી ગુમ થયા બાદ તેમનો મૃતદેહ કવાટના હાફેશ્વર ખાતે નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો. સંખેડા તાલુકાના વડીયા ગામના રહેવાસી મુકેશભાઈ લલ્લુભાઈ વસાવા જોજ પોલીસ મથકે જીઓની ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે તેઓને ટાઈફોઈડનો તાવ આવ્યો હોય તેમને સારવાર અર્થે ફતેપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન તારીખ 11/ 8 /2025 ના રોજ રાત્રે 8:00 વાગે શૌચાલય જવાનું કહીને નીકળ્યા હતા. બાદમાં પરત ન આવતા શોધખોળ ચાલુ કરી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે મુકેશભાઈ છોટાઉદેપુરના ફતેપુરા વિસ્તારમાં રૂમ ભાડે રાખીને રહેતા હતા. પરિવારજનો દ્વારા છોટાઉદેપુર સહિત તમામ લાગતા વળગતા સ્થળો ઉપર તપાસ કરવામાં આવી પરંતુ મુકેશભાઈ નો પત્તો લાગ્યો ન હતો. મુકેશભાઈના સાળી ડભોઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા તેઓ મુકેશભાઈ ગુમ થયા અંગેની જાણ થતા છોટાઉદેપુર આવી પહોંચ્યા હતા અને પોલીસને આ અંગેની જાણ જાણકારી રજીસ્ટરમાં નોંધ કરી હતી. મુકેશભાઈ ના પત્ની મનિષાબેન વસાવાએ જાણવા જોગ જાહેરાત નોંધાવી હતી. પરંતુ આજરોજ સવારે તેઓનો મૃતદેહ કવાટ તાલુકાના હાફેશ્વર ખાતે નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો. ત્યારબાદ તેઓને કવાટ તાલુકાના રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. મુકેશભાઈ ના મોતનું રહસ્ય હજુ અકબંધ છે. પોલીસ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .