છોટાઉદેપુર જિલ્લામાં તા.24ના રોજ 2 થી 6 ઇંચ વરસાદ વરસ્યો.જોજવા ડેમ પરથી જીવના જોખમે ચાલુ પાણીએ ચાલતા નદી ક્રોસ કરી રહ્યા છે લોકો.ચાલુ પાણીએ ડેમ પરથી નીકળવું કેટલું બધું જોખમ ભર્યું છે? એક ડગલું ચુક્યા તો સીધા મોત ના મુખમાં!
બોડેલી તાલુકાના જોજવા ગામે આવેલ આડબંધ આ સીઝનમાં પહેલી વખતે છલકાઈને વહેતો થયો છે. છોટાઉદેપુર જિલ્લામાં બે ઇંચ થી છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઓરસંગ નદીના સ્ત્રાવ વિસ્તારમાંથી ધસમસતા આવેલા પાણીને પગલે જોજવા આડ બંધ સમી સાંજથી છલકાઈ ગયો હતો. આડ બંધની છલતીના ક્રેસ્ટ પરથી અડધો ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે ત્યારે પણ અહીંથી સંખ્યાબંધ લોકો જીવના જોખમે ચાલુ પાણીએ ડેમ પરથી પસાર થતા જોવા મળ્યા હતા. માત્ર એક ડગલું ચૂકી જાય તો પણ તે વ્યક્તિ સીધો મોતને ભેટે તે પ્રકારની ગંભીર પરિસ્થિતિનું સર્જન થઈ શકે નો ભય હોવા છતાં લોકો બિન્દાસ્ત અહીંથી અવર-જવર કરતા જોવા મળ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લામાં સવારે છ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધીમાં નસવાડી તાલુકામાં 151 mm, કવાટ 7 mm, પાવી જેતપુર 45 mm, છોટાઉદેપુર 17 mm, સંખેડા 106 mm,બોડેલી 65 mm વરસાદ નોંધાયો હતો. ઓરસંગ નદીના કેટમેન્ટ એરિયામાં આવેલ પેટા નદીઓ હેરણ,ઉચ્છ, ભરેડા, આની, મેરીયા, સુખી, અશ્વિન, સાંપણ, વિછણ, ભારજ સહિત અન્ય નદીઓ તેમજ કોતરોમાંથી આજે ઓરસંગ નદીમાં પાણી પ્રવાહ વહ્યો હતો. ઓરસંગ નદી ભલે બે કાંઠે નથી આવી પરંતુ નોંધપાત્ર જળ રાશિ વહેતી થવાને પગલે બોડેલી તાલુકામાં ઓરસંગ નદી પટ વચ્ચે આવેલો જોજવા આડ બંધ આજે સમી સાંજે છલકાઈ ગયો હતો.
જોજવા પાસે ઓરસંગના સ્વરૂપને નિહાળવા આજુબાજુના ગામોમાંથી લોકો કિનારા પાસે ધસી ગયા હતા. તે સાથે જ આ સ્થળ પર કેટલાક ચોંકાવનારા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા જેમાં યોજવા આડ બંધ ની સ્પીલ વે ક્રેસ્ટ પરથી 15 cm જેટલો પાણીનો પ્રવાહ વહેતો હોવા છતાં સામે કિનારેથી પગ પાડા ઓરસંગ નદી જીવના જોખમે ક્રોસ કરવા માટે ચાલતા જતા નાગરિક જોવા મળ્યા હતા. ભૂતકાળમાં આ પ્રકારની સ્થિતિને લીધે તંત્રની ભારે ટીકાઓ થઈ હતી. ધારાસભ્ય અભેસિંહ તડવીએ અહીં નવો બ્રિજ મંજુર કરાવેલો છે જે ટૂંક સમયમાં નવો આકાર લેશે આ વિસ્તારના નાગરિકો નદીના બીજા કિનારાના વિસ્તારમાં અવરજવર માટે જોડવા આડ બંધ પરથી પસાર થતા હોય છે અત્યારે પાણી વહી રહ્યા છે ત્યારે આ પ્રકારનું જોખમ લેવું કોઈ પણ રીતે વ્યાજબી નથી. માત્ર એક ડગલુ ચૂકી જવાય તો સીધા જ તે વ્યક્તિ મોતને પણ ભેટી શકે છે. અહીં કોઈ સલામતી માટેના સાધનો નથી કે કોઈ દરકાર કરતું નથી જેને લીધે કેટલાક લોકો ચાલુ પાણી એ પણ ડેમ પરથી અવરજવર કરી રહ્યા છે.