Charotar

જે કિટલી ગરમ છે, તે શાંત થવી જોઈએ : સીએમ

સારસામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું નિવેદન કોના માટે ? : અધિકારી, પદાધિકારી કે નેતાઓ માટે ?

સારસામાં સહાયના ચેક વિતરમ બાદ મુખ્યમંત્રી સીધા ખેડા મામલતદાર કચેરીમાં પહોંચતા અફડા તફડી મચી

(પ્રતિનિધિ) આણંદ તા.14

આણંદ – ખેડા જિલ્લાના મહેસુલ વિભાગ માટે શુક્રવાર ભારે રહ્યો હતો. સારસા ખાતે વિવિધ સહાયના ચેક વિતરણમાં અચાનક જ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવ્યાં હતાં અને અધિકારીઓની હાજરીમાં જ પ્રજાના પ્રશ્નો સાંભળ્યાં હતાં. આ સભામાં તેઓએ ટકોર કરી હતી કે ‘જે કિટલી ગરમ છે, તે શાંત થવી જોઈએ.’ તેમનું આ નિવેદન ભારે ચકચાર ભર્યું હતું. તેમાંય તેઓ સારસાથી સીધા ખેડા મામલતદાર કચેરીએ પહોંચતાં ભાગ દોડ મચી ગઈ હતી. અહીં તેઓ દોઢેક કલાક રહયાં હતાં.

આણંદના સારસા ગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવાર સવારે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તથા મુખ્યમંત્રીના ઓએસડી ધીરજ પારેખ સાથે આવી પહોંચ્યાં હતાં. તેઓએ સારસામાં સ્વાગતની કોઈ જ ઔપચારિકતા વિના ગ્રામજનો સાથે સીધો જ સંવાદ સાધ્યો હતો. આ સંવાદ દરમિયાન મુખ્યમંત્રીએ સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને પોતાના કામ માટે ધક્કા ખાવા ન પડે એટલુ જ નહિં, તેમનું માન – સન્માન જળવાય અને કચેરીમાંથી અરજદાર બહાર નીકળે ત્યારે તેના ચહેરા પર સંતોષનું સ્મિત હોય એવી કાર્ય સંસ્કૃતિ વિકસાવવા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓને  અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ વીજળી બિલમાંથી મુક્તિ માટે સારસા ગામમાં તમામ ઘરોમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ સોલાર પેનલ લગાવવા માટે ગ્રામજનોને પ્રેરણા આપી હતી. જ્યારે રાજ્ય સરકારના  વિવિધ 10 જેટલા યોજનાકીય લાભોના ચેક અને સાધન સહાયનું મુખ્યમંત્રીના હસ્તે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સારસા ગ્રામ પંચાયત મુલાકાત લીધી હતી અને ગ્રામ પંચાયત પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેષભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ,  ધારાસભ્યો સર્વ યોગેશભાઈ પટેલ,કમલેશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, જિલ્લા અગ્રણી રાજેશભાઈ પટેલ, પદાધિકારીઓ, સરપંચ કિરીટભાઈ પટેલ,કલેકટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ક્યા ક્યા પ્રશ્નો અંગે પ્રજાએ રજુઆત કરી

ગ્રામજનોએ મુખ્યમંત્રી સમક્ષ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બેડની સુવિધા વધારવા, આણંદ સારસાને જોડતા રસ્તાની મરામત કરવા, ખેડૂતોને મળતી ટ્રેક્ટર સહાય અંગે,  સખી મંડળોને આર્થિક પ્રવૃત્તિ માટે જગ્યા ફાળવવા, ગ્રામ પંચાયતને આપવામાં આવતી સ્વચ્છતા ગ્રાન્ટમાં વધારો કરવા વગેરે પ્રશ્નો રજૂ કર્યા હતા. આ પ્રશ્નો અંગે મુખ્યમંત્રીએ ગ્રામજનોના પ્રશ્નોનો ત્વરાએ  ઉકેલ લાવવા સ્થળ પર જ મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ અને જિલ્લાના તંત્ર વાહકોને સૂચનાઓ આપી હતી. ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો પ્રત્યે હકારાત્મક વલણની હૈયાધારણા પણ તેમણે ગ્રામજનોને આપી હતી.

Most Popular

To Top