Vadodara

જેમણે ટેન્ડર મંજૂર કર્યું એમણે જ ફાયર વિભાગમાં ભ્રષ્ટાચારની તપાસ કરી !

વડોદરા મહાપાલિકાની ટેન્ડર સ્ક્રુટીની કમિટીની ભૂમિકા પર પણ સવાલ

ફાયર વિભાગના કૌભાંડમાં ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, સ્ક્રુટીની સભ્યો માટે ભીનું સંકેલાયું

વડોદરા મહાનગર પાલિકાના ફાયર વિભાગમાં 3.17 કરોડ રૂપિયાની સાધનો ખરીદીમાં ભારે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. જેના પગલે તંત્રએ કડક પગલા લેતા ત્રણ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ અને પૂર્વ HOD ડો. દેવેશ પટેલને સસ્પેન્ડ કરાયા છે. ખરીદવામાં આવેલા સાધનોનું બજાર દર કરતાં દશથી બાર ગણું વધુ ભાવે બિલ ભરાયું હોવાનું સામે આવ્યું છે. જેમાં ફાયર સેફ્ટી માટેના અનેક સાધનોનો સમાવેશ છે. તાજેતરમાં માર્ચ મહિનાના મધ્યમાં આ ટેન્ડર માટે સ્ક્રુટીની કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠક સિટી ઇજનેરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. તેમણે અને કમિટીના સભ્યોએ ટેન્ડરની સમીક્ષા કરીને અધિક પ્રસ્તાવિત ભાવોને લઈને શું સૂચન આપ્યું હતું તે પણ હવે તપાસનો વિષય બન્યો છે. સમગ્ર મામલે અત્યારસુધી માત્ર ત્રણ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે સ્ક્રુટીની કમિટીમાં સમાવિષ્ટ સભ્યોમાંથી ત્રણ સભ્યો પોતે જ હવે ભ્રષ્ટાચારની તપાસ માટે રચાયેલી કમિટીના સભ્ય તરીકે પણ નિમાયેલા હતા. જેના કારણે લોકચંતામાં સવાલ ઊઠી રહ્યા છે કે સ્ક્રુટીની કમિટીના બાકીના સભ્યો સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરાઈ? શું માત્ર ત્રણ અધિકારીઓ જ જવાબદાર હતા?

આ મામલાની ગંભીરતા એ છે કે ફાયર વિભાગ માટે જે સાધનો ખરીદવામાં આવ્યા હતા તે વડોદરા કોર્પોરેશન તરફથી આપવામાં આવેલી મંજૂરી અને બજાર દરોને ધ્યાનમાં લીધા વિના ખરીદાયા હોવાનું ફલિત થતા કાર્યવાહી કરાઈ છે. મ્યુનિસિપલ કમિશ્નર અરુણ બાબુએ આ ખરીદીમાં ભ્રષ્ટાચારની ગંધ આવી હોવાનું માનતા, સપાટ રીતે કહ્યું છે કે ભવિષ્યમાં આવા કેસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તપાસ કમિટીએ પણ પોતાના અવલોકનમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આ ખરીદી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિ થઈ છે. ટેન્ડરના વિવિધ ચરણોમાં યોગ્ય દેખરેખ રાખવામાં ન આવી હોય તેવો સંકેત મળે છે. હવે સમગ્ર ટેન્ડર પ્રક્રિયાની ફરીથી તપાસ થવાની શક્યતા પણ છે.

સ્ક્રુટીની કમિટિના 3 સભ્યો કૌભાંડની તપાસમાં હતા

ફાયર વિભાગના સાધનોની ખરીદીના કૌભાંડની તપાસ માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંઘની અધ્યક્ષતાવાળી એક તપાસ સમિતિ બનાવી હતી. પરંતુ આ ભ્રષ્ટાચાર તપાસ સમિતિમાં ત્રણ સભ્યો તો ખુદ સ્ક્રુટીની કમિટીના જ સભ્યો હતા. તેવામાં આ તપાસ કેવી થઈ હશે તેને લઈને પણ હવે ચર્ચાઓ શરૂ થઈ છે.

ફાયર કૌભાંડમાં ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી થશે

ફાયર વિભાગમાં સાધનોની ખરીદી મામલે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરવામાં આવશે. ઇન્ક્વાયરી પૂર્ણ થયા બાદ જે રિપોર્ટ આવશે તે મુજબ અગામી કાર્યવાહી કરવામાં આવશે. – અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર

Most Popular

To Top