Jetpur pavi

જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ

પાંચ હિટાચી મશીન અને ચાર રેતી ભરેલા હાઇવા ટ્રક ઝડપાયા, ખનીજ વિભાગની કામગીરી પર સવાલો

જેતપુર પાવી: છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર રેત ખનનના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. તેવામાં આજે જેતપુરપાવી નજીક ઓરસંગ નદીના પટમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેત ખનન પર સ્થાનિક જનતાએ રેડ કરી મોટી કાર્યવાહી કરી હતી. જનતાની રેડ દરમિયાન પાંચ હિટાચી મશીન તથા ચાર રેતી ભરેલા હાઇવા ટ્રક ઝડપાયા હતા, જ્યારે બે હાઇવા ટ્રક સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, ઓરસંગ નદીની આજુબાજુ આવેલા વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી રાત-દિવસ બિનધાસ્ત રીતે રેત ખનન ચાલી રહ્યું છે. ખાસ કરીને ઓરસંગ અને ભારજ નદીમાં ગેરકાયદેસર રેત ખનનના કારણે પર્યાવરણને ગંભીર નુકસાન થયું છે. સીહોદ પાસે ભારજ નદીનો બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ છોટાઉદેપુર જિલ્લાના લોકોને છેલ્લા ત્રણ વર્ષથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આજની ઘટનામાં નદીના કાંઠે જ રેતીનો મોટો સ્ટોક કરી નદીમાંથી રેતી ઉલેચવામાં આવી રહી હતી. આ બાબતની જાણ થતાં આસપાસના ગામોના યુવાનો એકત્રિત થયા અને રેતી ભરેલા વાહનો અટકાવ્યા. કુલ છ હાઇવા ટ્રક પૈકી ચાર ટ્રક રેતી ભરેલા હાલતમાં ઝડપાયા હતા. ઘટનાની જાણ થતા ખાણ ખનીજ વિભાગ, છોટાઉદેપુરને બોલાવવામાં આવ્યું હતું. ખનીજ વિભાગ દ્વારા સ્થળ પરથી પાંચ હિટાચી મશીન ડિટેન કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ બનાવને પગલે વિસ્તારમાં ભારે તણાવનો માહોલ સર્જાયો છે. જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને પ્રશ્ન ઊઠી રહ્યો છે કે જો સામાન્ય જનતા રેડ કરી ગેરકાયદેસર રેત ખનન પકડી શકે છે, તો ખાણ ખનીજ વિભાગ અગાઉ કેમ કાર્યવાહી કરી શક્યું નથી? આવા સવાલો સાથે વિભાગની કામગીરી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે.

આ ઘટનાના પગલે રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે ખાણ ખનીજ વિભાગ આ મામલે કેટલી કડક અને પારદર્શક કાર્યવાહી કરે છે.

Most Popular

To Top